- અન્ય પાંજરાપોળમાં ઢોર મોકલવાની સહાય વધારી
- કેટલ પોન્ડ માટે અન્ય સ્થળે જગ્યા શોધવા સૂચના અપાયાની ચર્ચા
- પોલિટિકલ કારણોસર સૂચિત દરખાસ્ત પરત કરી દેવામાં આવી છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાંથી પકડવામાં આવતા ઢોર રાખવા, બિમાર પશુની સારવાર માટે એનિમલ રેસ્કયુ સેન્ટર/ કેટલ પોન્ડની અલગ વ્યવસ્થા કરવા માટે AMTSના જમાલપુર ડેપોમાં અંદાજે 5,000 ચો.મી. જમીન ફાળવવાની દરખાસ્ત અગમ્ય કારણોસર અનિર્ણિત રાખવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થયેલી આ દરખાસ્ત વિચારણા માટે પેન્ડિંગ હોવાનું સત્તાવાર રીતે જાણવા મળે છે. પરંતુ પોલિટિકલ કારણોસર સૂચિત દરખાસ્ત પરત કરી દેવામાં આવી છે અને AMTS ડેપોમાં ઢોરવાડો બનાવવા માટે અન્ય સ્થળે જગ્યા શોધવા સૂચના આપવામાં આવી હોવાનું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
શહેરમાં રખડતાં ઢોરની સમસ્યા હલ કરવા માટે વધુ કેટલ પોન્ડ બનાવવા તેમજ હયાત કેટલ પોન્ડ અપગ્રેડ કરવા જરૂરી કામગીરી કરવા રાજ્ય સરકારમાંથી જરૂરી સહાય મેળવવા માટેની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી કરાઈ છે. શહેરમાંથી પકડાયેલાં ઢોર અન્ય જિલ્લાઓમાં ચાલતી પાંજરાપોળમાં મોકલવા માટેની સહાયની રકમ રૂ.4,000થી વધારીને રૂ. 7,000 હજાર કરાઈ છે. હાલમાં ચારેક પાંજરાપોળ મ્યુનિ.નાં ઢોરવાડામાંથી પશુ લઇ જાય છે. માંડલની પાંજરાપોળનાં સંચાલકોએ AMC ઢોરવાડામાંથી તા.31 ડિસેમ્બર સુધીમાં 500થી વધુ ઢોર લઇ જવા સંમતિ દર્શાવી છે.
હાઈકોર્ટમાં છેલ્લા કેટલાય સમયથી શહેરમાં રખડતાં ઢોરની સમસ્યા અંગે સુનાવણી ચાલે છે. કોર્ટે અનેક આકરા અવલોકનો અને હુકમો કર્યાં છે. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આખી નવી નીતિ જ ઘડવી પડી. છતાં તેના અમલમાં હજુ પણ ધાંધિયા થતાં હોવાનું જણાયું છે.


