- હિમવર્ષા વચ્ચે ચાંગપિંગ લાઇન પર 2 સબવે ટ્રેનો વચ્ચે અકસ્માત
- દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત 515 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
- ટ્રેન દુર્ઘટનામાં જાનહાનિ થયાના કોઇ સમાચાર સામે આવ્યા નથી
ચીનની રાજધાની બેઇજિંગમાં ભારે હિમવર્ષા વચ્ચે બે સબવે ટ્રેનો અથડાતા 515 લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક અધિકારીના જણાવ્યા મુજબ ઘટનામાં 102 લોકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. બેઇજિંગના પશ્ચિમી પર્વતીય વિસ્તારમાં ચાંગપિંગ લાઇન પર આ અકસ્માતની ઘટના બની હોવાના સમાચાર સામે આવ્યા છે.
બેઇજિંગના ટ્રાન્સપોર્ટ ઓથોરિટીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે આગળની ટ્રેન પાટા પરથી ઉતરી જવાથી ટ્રેન બંધ કરવાની ફરજ પડી હતી. ઘટનામાં પાછળથી આવતી ટ્રેન સમયસર બ્રેક ન લગાવી શકી અને તે લપસી ગઈ. કટોકટી તબીબી કર્મચારીઓ, પોલીસ અને પરિવહન સત્તાવાળાઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને લગભગ 11 વાગ્યા સુધીમાં તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા, નિવેદન અનુસાર. શુક્રવારે સવાર સુધીમાં 25 મુસાફરો નિરીક્ષણ હેઠળ છે અને 67 મુસાફરોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
તમને જણાવી દઈએ કે બેઇજિંગમાં બુધવારે અસામાન્ય રીતે ભારે હિમવર્ષા શરૂ થઈ હતી, જેના કારણે કેટલીક ટ્રેનોનું સંચાલન રોકવું પડ્યું હતું અને શાળાઓ બંધ કરવી પડી હતી. શહેરમાં વધુ હિમવર્ષા થવાની ચેતવણી આપવામાં આવી છે. રાતભર તાપમાન માઈનસ 11 ડિગ્રી સેલ્સિયસથી નીચે રહ્યું હતું. ઉત્તર ચીનમાં આવેલા બરફના તોફાનના કારણે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.


