- ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાન સ્થિત પોલીસ હેડક્વાર્ટર પર આતંકી હુમલો
- હુમલામાં 3 પોલીસકર્મીઓના મોત જ્યારે અન્ય 3 સારવાર હેઠળ
- પોલીસે આતંકીઓની શોધખોળ માટે સર્ચ ઓપરેશન યથાવત
ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાન સ્થિત પોલીસ હેડક્વાર્ટર પર આતંકી હુમલો થયો છે. આ હુમલામાં ત્રણ પોલીસકર્મીઓ માર્યા ગયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. ત્રણ દિવસ પહેલા પણ આ જ વિસ્તારમાં મોટો આતંકી હુમલો થયો હતો જેમાં 23 જવાનો મોતને ભેટ્યા હતા અને 30 થી વધુ ઘાયલ થયા હતા.
મળતી માહિતી મુજબ પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ ભાગમાં સ્થિત પ્રાદેશિક પોલીસ હેડક્વાર્ટર પર આતંકી હુમલો થયો છે. શુક્રવારે થયેલા આ હુમલામાં ત્રણ પોલીસકર્મીઓના મોત થયા છે, જ્યારે ત્રણ ઘાયલ હોવાનું કહેવાય છે. ત્રણ દિવસ પહેલા પણ આ જ વિસ્તારમાં મોટો આતંકી હુમલો થયો હતો જેમાં 23 જવાનો શહીદ થયા હતા. જ્યાં આ હુમલો થયો હતો તે પોલીસ લાઇન ખૈબર પખ્તુનખ્વાના ટાંક જિલ્લામાં આવેલી છે. આ સાથે જ એક ચેકપોસ્ટ પર આતંકી હુમલાની પણ માહિતી છે જેમાં બે લોકોના મોત થયા છે.
પાકિસ્તાનના ટાંક જિલ્લા પોલીસ અધિકારી ઈફ્તિખાર શાહને ટાંકીને કહ્યું કે આ હુમલો ત્યારે થયો જ્યારે એક આતંકવાદીએ આત્મઘાતી બોમ્બથી પોતાની જાતને ઉડાવી દીધી. વિસ્ફોટ પછી તરત જ, સમગ્ર વિસ્તારમાં વધુ આતંકવાદીઓની હાજરી અંગે ચેતવણી જારી કરવામાં આવી હતી અને પોલીસ લાઇનમાં હાજર તમામ સૈનિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
પોલીસ અધિકારીએ કહ્યું કે નવા આતંકવાદી સંગઠન ‘અંસારુલ જેહાદ’એ પોલીસ લાઈન્સ પર થયેલા હુમલાની જવાબદારી લીધી છે. હાલ પોલીસ બાકીના આતંકીઓને શોધવા માટે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. હુમલામાં ઘાયલ પોલીસકર્મીઓને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.


