- શિયાળો હુંફાળો રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે
- 24 કલાકમાં સૌથી નીચુ તાપમાન નલિયામાં નોંધાયું
- રાજ્યમાં વરસાદની શક્યતાઓ હાલ નહિવત
રાજ્યમાં છેલ્લાં થોડાં દિવસોથી વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનાની શરૂઆત થઈ છે પરંતુ હજી પણ ઠંડીનો પારો ગગડો હોય અને કડકડતી ઠંડી પડતી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી નથી. આ વચ્ચે હવામાન વિભાગે પણ ઠંડી માટે રાહ જોવી પડશે તેમ જણાવ્યું છે.
આ વચ્ચે રાજ્યના મોટા ભાગના શહેરોમાં હજી પણ તાપમાનમાં જોઇએ તેવો ઘટાડો જોવા મળ્યો નથી. 24 કલાકમાં સૌથી નીચુ તાપમાન નલિયામાં નોંધાયું છે. જેમાં નલિયામાં 13 ડિગ્રી તાપમાન, કંડલામાં 17 ડિગ્રી પર પહોંચ્યું છે. જ્યારે ડિસામાં 14 ડિગ્રી, ભુજમાં 17 ડિગ્રી પર તાપમાન પહોંચ્યું છે. જ્યારે અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
જ્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડી અંગે જણાવ્યું છેકે, મોટાભાગે હવામાનમાં કોઈ મોટા ફેરફાર થવાની સંભાવના નથી. આ સાથે તેમણે જણાવ્યુ કે, કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી શક્યતાઓ છે. જ્યારે રાજ્યમાં વરસાદની શક્યતાઓને તેમને નકારી છે.
શિયાળો હુંફાળો રહી શકે છે
નોંધનીય છે કે દેશના હવામાન વિભાગે પણ આ વર્ષે ઠંડીનું જોર ઓછું રહેવાની અને શિયાળો હુંફાળો રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી. ત્યારે રાજ્યમાં મહત્તમ તાપમાનની વાત કરીએ તો વધુ ફેરફારો થવાની સંભાવના નથી, લઘુત્તમ તાપમાનમાં પણ 2-3 દિવસ મોટા ફેરફારની શક્યતાઓ નથી પરંતુ આ પછી તેમાં એકાદ ડિગ્રીનો વધારો થઈ શકે છે.
અંબાલાલ પટેલ : રાજ્યમાં જાન્યુઆરીમાં ઠંડી વધશે
બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, જાન્યુઆરી માસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને ખાસ કરીને ઉત્તરાયણ આસપાસ હવામાનમાં પલટો આવશે. પરંતુ 5 ફેબ્રુઆરીએ વેસ્ટન ડીસ્ટર્બન્સ રહેવાની સાથે દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. ભારે વરસાદના કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 10 ડિગ્રી આસપાસ તાપમાન નીચું જવાની શક્યતા રહેશે, તેમજ કચ્છના નલિયામાં પણ તાપમાન નીચું જવાની શક્યતા રહેશે.


