- આંતરરાષ્ટ્રીય ટીમોની સુરક્ષા અંગે અપાઈ ખાસ સૂચના
- ચેમ્પિયન્સ ટ્રોફી માટે આવનારી ટીમોને ફૂલપ્રૂફ સુરક્ષા આપવામાં આવે
- એશિયા કપ 2023 માટે ભારતે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો ન હતો
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પાકિસ્તાનને મળી છે. હવે પાકિસ્તાન ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આંતરરાષ્ટ્રિય ક્રિકેટ કાઉન્સિલની સાથેના એગ્રીમેન્ટ પર મહોર લગાવી છે. આ પહેલા એશિયા કપ 2023ની યજમાની પણ પાકિસ્તાનની પાસે હતી પણ તે હાઈબ્રિડ ફોર્મમાં રમાઈ હતી. ચેમ્પિયન્સ ટ્રોફીની વાત કરીએ તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ જકા અશરફે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાનીને લઈને એગ્રીમેન્ટ સાઈન કર્યો.
પીસીબીના અધ્યક્ષે દુબઈમાં આઈસીસી હેડક્વાર્ટર ખાતે જનરલ મેનેજર જોનાથન હોલ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક પ્રેસ રિલીઝ દ્વારા આ કરાર પર હસ્તાક્ષર કરવાની માહિતી આપી હતી. “પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે શુક્રવારે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની યજમાની માટે દુબઈમાં ICC સાથે સત્તાવાર કરાર પર હસ્તાક્ષર કર્યા,” પ્રેસ રિલીઝમાં જણાવાયું છે.
સુરક્ષા અંગે ખાસ સૂચના જાહેર કરાઈ
આંતરરાષ્ટ્રીય ટીમોની સુરક્ષા અંગે પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું હતું કે, “PCBએ સરકારને જાણ કરી છે કે ચેમ્પિયન્સ ટ્રોફી માટે આવનારી ટીમોને ફૂલપ્રૂફ સુરક્ષા પૂરી પાડવામાં આવે.” વધુમાં જણાવવામાં આવ્યું હતું કે પાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાન અનવર ઉલ હક કક્કરે પીસીબી અધ્યક્ષ સાથે તાજેતરની બેઠકમાં ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાનીમાં સુરક્ષા એજન્સીઓના સમર્થનની ખાતરી આપી હતી.
એશિયા કપ 2023 માટે ભારતે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો ન હતો
ભારતીય ટીમે 2023માં રમાયેલા એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઇનકાર કરી દીધો હતો, ત્યારબાદ ટૂર્નામેન્ટ હાઇબ્રિડ સ્વરૂપમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ તેની તમામ મેચો શ્રીલંકાની યજમાનીમાં રમી હતી. ટુર્નામેન્ટની ફાઈનલ પણ શ્રીલંકામાં જ રમાઈ હતી. એશિયા કપ પછી પાકિસ્તાનના તમામ પૂર્વ ક્રિકેટરોએ કહ્યું હતું કે પાકિસ્તાનની ટીમ પણ ODI વર્લ્ડ કપ 2023 માટે ભારત નહીં જાય, પરંતુ એવું થયું નહીં, પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ રમવા માટે ભારત આવી હતી.


