- LCBએ ટ્રકમાં ભૂંસાની ગુણોની આડમાં સંતાડેલો રૂ.19 લાખથી વધુનો દારૂ કબજે કર્યો
- વિદેશી દારૂ ભરેલી ટ્રક નાળામાં ફસાઈ જતા ચાલક મુકીને ફરાર થઈ ગયો
- હળવદના સુખપરથી દારૂ લઈને આવતો કાર ચાલક ઝડપાયો હતો
પાટડી અને ધ્રાંગધ્રા પોલીસ મથકે દારૂની ર ફરિયાદ નોંધાઈ છે. જેમાં પાટડી-ફુલકી રોડ પર વિદેશી દારૂ ભરેલી ટ્રક નાળામાં ફસાઈ જતા ચાલક મુકીને ફરાર થઈ ગયો હતો. જયારે હળવદના સુખપરથી દારૂ લઈને આવતો કાર ચાલક ઝડપાયો હતો. પોલીસે બન્ને દરોડામાં કુલ રૂપિયા 31.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સુરેન્દ્રનગર એલસીબી પીઆઈ વી.વી.ત્રિવેદીની સુચનાથી ટીમના દશરથભાઈ, સાહીલભાઈ સહિતનાઓ પાટડી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે પાટડીથી ફુલકી જતા રસ્તાની સાઈડમાં એક ટ્રક ફસાઈ હોવાની તથા તેમાં ભુંસાની આડમાં વિદેશી દારૂ હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે જઈ તપાસ કરતા ટ્રકમાંથી દારૂ અને બીયર મળી આવ્યા હતા. પોલીસે દારૂની 3576 બોટલ કિંમત રૂ. 14,30,400 અને બિયરના 4752 ટીન કિંમત રૂ. 4,75,200, 156 ભુંસાની થેલીઓ કિંમત રૂ. 15,600, રૂ. 10 લાખની કિંમતનો ટ્રક મળી કુલ રૂ.29,21,200નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર થનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ આર.એચ.ઝાલા ચલાવી રહ્યા છે. બીજી તરફ ધ્રાંગધ્રા ડીવાયએસપી જે.ડી. પુરોહીતની સ્કવોડના નરેશભાઈ, મયુરભાઈ સહિતનાઓને રવીવારે વહેલી સવારે સોલડીથી ધ્રાંગધ્રા તરફ વિદેશી દારૂ ભરેલી કાર આવતી હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે ભગવતધામ ગુરૂકુળ પાસે વોચ રાખી હતી. જેમાં શંકાસ્પદ ઈકો કાર આવતા રોકવાની કોશીષ કરતા કાર ચાલકે કાર મારી મુકી હતી. અને પોલીસે કારનો રોકડીયા સર્કલ, કલબ રોડ, મોચીવાડ થઈ પીછો કરી 3 કિમી દુર આંબેડકરનગર પાસે આવેલ જીન પાસે આંતરી હતી અને તપાસ કરતા કારમાંથી દારૂની 166 બોટલ મળી આવી હતી. આથી પોલીસે રૂ. 49,800નો દારૂ અને રૂ. 2 લાખની કાર સહિત રૂ.2,49,800ના મુદ્દામાલ જપ્ત સાથે વિજય માલજીભાઈ સાગઠીયાને ઝડપી લીધો હતો. પોલીસની પ્રાથમીક પુછપરછમાં આ દારૂ હળવદના સુખપર ગામના ભરત લોદરીયા પાસેથી લાવ્યો હોવાનું તથા આંબેડકનગરમાં આપવાનો હોવાનું ખુલતા પોલીસે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ વી.જી.પરમાર ચલાવી રહ્યા છે.


