- સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજય કિશન કૌલનો વિદાય સમારંભ યોજાયો
- સીજેઆઈએ કૌલ સાથેના કોલેજ કાળના સંસ્મરણો યાદ કર્યા
- સુપ્રીમ કોર્ટના સિનિયર જજ જસ્ટિસ સંજય કિશન કૌલ શુક્રવારે નિવૃત્ત
જસ્ટિસ સંજય કૌલે પોતાની ફેરવેલ સ્પીચમાં કેટલીક મહત્ત્વની વાત કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ અને તેના જસ્ટિસ સરકાર માટે ફંડ કલેક્ટર નથી. તેમણે જણાવ્યું હતું કે કોઈપણ કેસ સાથે જોડાયેલા જોખમોની તુલનામાં કાનૂનનો સિદ્ધાંત વધારે જરૂરી છે. જસ્ટિસ કૌલે એ બાબત પર ભાર મૂક્યો હતો કે ન્યાયધીશોએ સાહસિક હોવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે મને નથી લાગતું કે આપણે સરકાર માટે ફંડ કલેક્ટર છીએ. સ્ટેક મહત્ત્વપૂર્ણ નથી, કાનૂનનો સિદ્ધાંત જરૂરી છે. આ અદાલતે ન્યાય આપ્યો છે, જેવી અપેક્ષા હોય છે તેવો જ…પક્ષપાત અથવા ડર વગર. કૌલે જણાવ્યું હતું કે જો ન્યાયધીશ બીજા હિતધારકો અને સંસ્થાનો પાસેથી સાહસની અપેક્ષા રાખે છે તો તેણે પણ નિર્ભય હોવું જરૂરી છે.
તુમ ગયે તો રૂઠ ગયે દિન બહાર કે… : સાથી જજની ફેરવેલમાં CJIનો શાયરાના અંદાજ
સુપ્રીમ કોર્ટના સિનિયર જજ જસ્ટિસ સંજય કિશન કૌલ શુક્રવારે નિવૃત્ત થઈ ગયા. આ પ્રસંગે જસ્ટિસ કૌલ માટે એક વિદાઈ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચીફ જસ્ટિસ ડી.વાઇ. ચંદ્રચૂડ એક અલગ અંદાજમાં નજરે પડયા હતાં. તેમણે આ કાર્યક્રમમાં શેર બોલીને બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતાં. સીજેઆઈએ જસ્ટિસ કૌલને સંબોધિત કરતાં ઉર્દૂના મશહૂર શાયર ફૈઝ અહમદ ફૈઝનો લખેલો શેર વાંચતા જણાવ્યું હતું કે વીરાં હૈ મયકદા, ખુમ ઓ સાગર ઉદાસ હૈ. તુમ ગયે તો રૂઠ ગયે દિન બહાર કે…તો પછી તેમણે કૌલ સાથેના સંસ્મરણો યાદ કરતાં જણાવ્યું હતું કે હું જસ્ટિસ કૌલને સેન્ટ સ્ટિફન કોલેજમાં સૌપ્રથમવાર મળ્યો હતો. અમે ઇમર્જન્સી પછીની પ્રથમ બેન્ચમાં હતાં. કેન્ટીનમાં અમે બન્નેએ ઘણી ચર્ચાઓ કરી છે. થિયેટર પ્રત્યેના અમારા લગાવે અમને દોસ્ત બનાવી દીધા હતાં. સીજેઆઈએ તે દિવસોને યાદ કરતાં જણાવ્યું હતું કે તેઓ(જસ્ટિસ કૌલ) વિદ્યાર્થી સંઘની ચૂંટણી લડયા હતા. અને અમે તેને સપોર્ટ કર્યો હતો. હૂં ભણવામાં હોંશિયાર હતો તેથી મને તેનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવાની કામગીરી મળી હતી.


