- મધ્યાહન ભોજનમાં માટી નિકળતા વાલીઓમાં રોષ
- ભોજન કેન્દ્રમાં પડેલા ઘઉંના જથ્થાની કરી તપાસ
- કાળી માટીની કાંકરીઓ નિકળતા વાલીઓમાં રોષ
બનાસકાંઠાના ધાનેરાના મામાજી ગોળીયા પ્રાથમિક શાળામાં બાળકોને પીરસાતા મધ્યાહન ભોજનમાં માટી આવતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. મધ્યાહન ભોજનમાં ખાવાનાનો જથ્થો એકદમ હલકી કક્ષાનો આવતા વાલીઓએ શાળામાં હોબાળો મચાવ્યો છે. આ ઘટના બનાસકાંઠાના ધાનેરાના મામાજી ગોળીયા ગામની પ્રાથમિક શાળામાં ઘટી છે.
વાલીઓએ શાળામાં જઈને મધ્યાહન ભોજન કેન્દ્રમાં પડેલ ઘઉંના જથ્થાની તપાસ કરતા તેમાં ખાઈ ન શકાય તેવી કાળી માટીની કાંકરીઓ અને અન્ય અખાદ્ય પદાર્થ મળતાં વાલીઓ લાલઘૂમ થયા છે. ઘઉં અને ચોખાનો જથ્થો ભેળસેળ વાળો મળી આવતા બાળકોના આરોગ્ય સાથે ચેડાં કરાતા હોવાના વાલીઓના આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ઘટના બાદ વાલીઓએ શાળામાં જઈને મધ્યાહન ભોજન કેન્દ્રમાં પડેલા ઘઉંના જથ્થાની તપાસ કરી હતી, જેમાં ખાઈ ના શકાય તેવી કાળી માટીની કાંકરીઓ અને અન્ય અખાદ્ય પદાર્થ મળી આવ્યા હતા, આ પછી બાળકોના વાલીઓ વધુ ઉગ્ર બન્યા અને રોષે ભરાઇને લાલઘૂમ થયા હતા. શાળામાંથી ઘઉં અને ચોખાનો જથ્થો પણ ખરાબ મળી આવ્યો હતો.
મધ્યાહન ભોજનમાં ખરાબ જથ્થાના લઇને વાલીઓએ મામલતદારને લેખિતમાં જાણ કરીને યોગ્ય પગલાં લેવા કરી રજૂઆત કરી છે. આ ઘટના બાદ બાળકોના આરોગ્ય સાથે ચેડાં થયાના આક્ષેપો કરી રહ્યાં છે. જેના અંગે હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


