- પોલીસ કોર્ટમાં કહે છે કે, ઓફિસર નિવૃત્ત થયા છે, તેમનું સરનામું નથી મળતું
- છેતરપિંડીના બે કેસમાં આ જ રીતે આરોપીઓ નિર્દોષ છૂટી ગયા હતા
- કેસોમાં પોલીસને ફરિયાદી અને અમુક સાહેદ પણ મળી આવ્યા ન હતા
પોલીસ વિભાગની ગંભીર બેદરકારીનો લાભ આરોપીઓને મળતો હોવાના દાખલ છેલ્લા કેટલાક સમયથી બન્યા છે. ઉચ્ચ અધિકારીઓએ આવા કેસો પરથી સંજ્ઞાન લઈને તપાસ કરનાર અમલદાર નિવૃત્ત થયા બાદ પણ પોલીસ વિભાગને જ્યારે જરૂર પડે ત્યારે આસાનીથી સંપર્કમાં આવે તેવી વ્યવસ્થાનું આયોજન કરવું જરૂરી બન્યું છે. તાજેતરમાં છેતરપિંડીના બે ગુનામાં તપાસ કરનાર અધિકારી નિવૃત્ત થયા બાદ તેઓનું સરનામું કે વિગતો ના મળવાને કારણે આરોપીઓનો બચાવ થઈ ગયાની વિગતો ખુલી છે. આ કેસોમાં પોલીસને ફરિયાદી અને અમુક સાહેદ પણ મળી આવ્યા ન હતા. આમ, વર્ષો બાદ ચાલેલા કેસમાં આરોપીઓને લાભ મળ્યો અને તેઓ છુટી ગયા હતા.
ખાડિયા પોલીસ સ્ટેશનના 1986ની સાલના છેતરપિંડીના કેસમાં તપાસ કરનાર અમલદાર બી.કે.યાદવ ને સમન્સ મોકલવા છતાં પણ તેઓ ના મળ્યા તેમજ સમન્સ પણ વગર બજે પરત ફર્યું હતું. આ મામલે ખાડીયા પીઆઈ કે.પી.ચાવડાએ કોર્ટમાં જણાવ્યું કે, આ કેસના તપાસ કરનાર અમલદાર હાલ નિવૃત્ત થઈ ગયાનું તેમજ આ કેસ બહુ જુનો છે. તપાસ કરનાર અમલદાર યાદવ હાલ કયાં રહે છે તેનો રેકર્ડ તેઓની કચેરી કે વડી કચેરી પાસે ઉપલબ્ધ નથી. બી.કે.યાદવનું સરનામું પણ જાણમાં ન હોવાનું તેઓેએ જણાવ્યું હતું. આ જ રીતે બેંક સાથે થયેલી છેતરપિંડીના 1985ના કેસમાં પણ ખાડીયા પોલીસ સ્ટેશનના કેસમાં પીએસઆઈ એ.ટી.જાધવાનીએ તપાસ કરી હતી. પીએસઆઈ જાધવાની નિવૃત્ત થઈ ગયા બાદ તેઓને સમન્સ મોકલવામાં આવ્યું પરંતુ સમન્ય બજ્યા વગર પરત ફર્યું હતું. આમ, તપાસ અધિકારી જ કોર્ટમાં હાજર રહેતા ન હતા. આ મામલે ખાડીયા પીઆી ચાવડાએ કોર્ટમાં પીએસઆઈ જાધવાની નિવૃત્ત થઈ ગયા બાદ તેઓના સરનામાની વિગતો કચેરી કે વડી કચેરી પાસે ન હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ આ બંને કેસમાં કેટલાક સાહેદોના મરણ થયાનું તેમજ અમુક સાહેદો લખાવ્યા મુજબ સરનામે મળી આવ્યા ન હતા. એક કેસમાં પોલીસને ફરિયાદ જ મળ્યો ન હતો. આમ, આ બંને કેસમાં પોલીસની નિષ્ફળતા છત્તી થઈ અને આરોપીઓને લાભ મળ્યો હતો. આમ, કેસ નબળો પડતા આરોપીઓનો છુટકારો થઈ ગયો હતો.
નિવૃત્ત સરકારી કર્મચારી ના મળે તે વાત ‘ગળે ઊતરે’?
નિવૃત્ત સરકારી કર્મચારીને રાજ્ય સરકાર દ્વારા પેન્શન આપવામાં આવે છે.. આ પેન્શન મેળવતા અધિકારીઓનું યાદી અને કઈ બેંકમાં તેમનું પેન્શન જમા થાય છે. તે તમામ વિગતો પેન્શન ઓફિસમાં ઉપલબ્ધ રહે છે, આ ઉપરાંત જે બેંકમાં પેન્શન જમા થતું હોય તે બેકમાં પેન્શનરની હયાતીની દર વર્ષ ખરાઈ કરવામાં આવે છે. આમ, પોલીસની નિવૃત્ત પોલીસ અધિકારીની વિગતો ઉપલબ્ધ ના થતી હોવાની રજૂઆત ગળે ઉતરે તેવી નથી.


