- નવા વેરિઅન્ટને જીલ્લા લેવલ સુધી મોનીટર કરવા સૂચના
- રાજયોને RT PCR ટેસ્ટીંગ કરવા માટે સૂચના આપવામાં આવી
- પોઝિટીવ કેસોને જીનોમ સિક્વેસિંગ મોકલવા સૂચના આપી
ચીનમાં શરૂ થયેલો કોવિડ-19 થી દુનિયાભરમાં ચિંતા વ્યાપી છે. આ વચ્ચે ભારતમાં પણ નવા JN.1 વેરિઅન્ટના પ્રથમ કેસ સામે આવ્યો છે. જેની સાથે જ કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા તમામ રાજ્યોના માટે એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં રાજ્યોને કોવિડની સ્થિતિ પર સતત દેખરેખ રાખવા જણાવવામાં આવ્યું છે.
આ અંગે કેન્દ્ર સરકાર તરફથી રાજ્યોને નિયમિતપણે જિલ્લાવાર SARI અને ILI કેસોની જાણ કરવી પડશે અને તેમજ કેસોના પરિક્ષણ કરવા માટે પણ આદેશ આપ્યો છે. આ સાથે જ રાજ્યોને મોટી સંખ્યામાં RT-PCR પરીક્ષણો સહિત પર્યાપ્ત પરીક્ષણ સુનિશ્ચિત કરવા સલાહ આપવામાં આવી છે.
આ સાથે જ રાજ્યોને કોરોના કેસમાં જીનોમ સિક્વેસિંગ માટે પોઝિટિવ નમૂના INSACOG લેબોરેટરીમાં મોકલવાની સલાહ આપવામાં આવી છે. નોંધનીય છેકે, કોવિડ-19 સબ-વેરિઅન્ટ JN.1 નો પહેલો કેસ 8 ડિસેમ્બરે કેરળમાં નોંધાયો હતો. એક 79 વર્ષીય મહિલાને તેનાથી ચેપ લાગ્યો હતો.
કેન્દ્રીય આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠક
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા 20મી ડિસેમ્બરે આરોગ્ય મંત્રીઓ અને તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના અધિક મુખ્ય/મુખ્ય સચિવો (આરોગ્ય) અને સંબંધિત કેન્દ્રીય મંત્રાલયો/વિભાગો સાથે આરોગ્ય સુવિધાઓ અને સેવાઓની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજશે. COVID-19 સહિતમાં વધારો થતાં નિર્ણય લેવામાં આવ્યો છે.
દેશમાં કોરોના કેસની સંખ્યામાં વધારો
18 ડિસેમ્બરના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, ભારતમાં કોરોના વાયરસના ચેપના 260 નવા કેસ નોંધાયા છે, જ્યારે સક્રિય કેસ વધીને 1,828 થઈ ગયા છે. સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા ડેટા અનુસાર, કોરોનાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 5,33,317 નોંધાઈ છે.


