- ગાંસુ પ્રાંતના ગામ મેઇપોમાં લોક માટે હાઉસિંગની કામગીરી હાથ ધરી
- ભૂકંપથી પ્રભાવિત 87,000 થી વધુ લોકોને સુરક્ષિત શિબિરોમાં ખસેડાયા
- ભૂકંપના કારણે 135ના મોત, અનેક લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ
ઉત્તર-પશ્ચિમ ચીનમાં આવેલા ભૂકંપના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. તેવામાં ગાંસુ પ્રાંતના ગામ મેઇપોમાં એક ખુલ્લા મેદાનમાં વ્યવસ્થિત રીતે સફેદ બૉક્સ જેવા હાઉસિંગ એકમો સ્થાપિત કરવામાં આવ્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. અત્યાર સુધીમાં 260 આવાસ એકમો બાંધવામાં આવ્યા છે.
ઉત્તર પશ્ચિમ ચીનમાં વિનાશનું દ્રશ્ય
સોમવારે રાત્રે ઉત્તર-પશ્ચિમ ચીનમાં આવેલા ભૂકંપમાં ઘણા મકાનો ધરાશાયી થયા હતા. ભૂકંપના કારણે 135 લોકો મૃત્યુ પામ્યા હતા, મોટાભાગના મૃતકો ગાંસુ પ્રાંતના હોવાનું કહેવાય છે. જ્યારે 14,000 થી વધુ મકાનો ધરાશાયી થયા છે.
ઘણા લોકો હજુ પણ ગુમ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તપાસ ટીમ એ વિસ્તારમાં 12 લોકોની શોધ કરી રહી છે, જ્યાં ભૂસ્ખલનને કારણે બે ગામ જમીન પર ધસી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતકોમાં ગાંસુ પ્રાંતના 113 અને કિંઘાઈ પ્રાંતના 22 લોકો સામેલ છે, જ્યારે હજારો લોકો ઘાયલ થયા છે.
રહેણાક બાંધકામનું કામ યુદ્ધના ધોરણે ચાલું
ગાંસુ પ્રાંતના એક ગામ મેઇપોમાં ખુલ્લા મેદાનમાં વ્યવસ્થિત રીતે વ્હાઇટ બોક્સ જેવા હાઉસિંગ એકમો સ્થાપિત કરવામાં આવી રહ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. અત્યાર સુધીમાં, 260 આવાસ એકમો બાંધવામાં આવ્યા છે, જ્યારે શુક્રવાર સવાર સુધીમાં ગામમાં નવ સ્થળોએ કુલ 500 આવાસ એકમો સ્થાપિત થવાની અપેક્ષા છે. પ્રિફેબ એકમો બેઘર બનેલા 87,000 થી વધુ લોકોને પુનઃસ્થાપિત કરવામાં મદદ કરે છે.
સ્થાનિક અધિકારીના જણાવ્યા મુજબ ભૂકંપથી પ્રભાવિત 87,000 થી વધુ લોકોને સુરક્ષિત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. તાપમાન શૂન્યથી નીચે જતા ઘણા લોકોએ આ વિસ્તારમાં ઉભા કરાયેલા આશ્રયસ્થાનોમાં રાત વિતાવવી પડી હતી.


