- ચાર્લ્સ યુનિવર્સિટીની ફિલોસોફી ફેકલ્ટીમાં હુમલો
- હવે લોકો માટે વધુ કોઈ જોખમ નથી- મંત્રી રકુસન
- ઘટનામાં અનેક લોકોના મોત અન્ય ઇજાગ્રસ્ત લોકો સારવાર હેઠળ
યુરોપિયન દેશ ચેક રિપબ્લિકની રાજધાની પ્રાગમાં ગુરુવારે જોરદાર ગોળીબાર થયો હોવાનું જાણવા મળ્યું છે. ચેક પોલીસે જણાવ્યું હતું કે પ્રાગમાં ગોળીબારમાં ઘણા લોકો માર્યા ગયા છે અને ડઝનેક લોકો ઘાયલ થયા છે. જોકે, પોલીસે મૃત્યુઆંક જાહેર કર્યો નથી.ચેક રિપબ્લિકના ગૃહ મંત્રી વિટ રાકુસને જણાવ્યું હતું કે હુમલાખોરને પોલીસે મોતને ઘાટ ઉતાર્યા છે.
મળતી માહિતી મુજબ ચેક રિપબ્લિકમાં ફાયરિંગની ગંભીર ઘટના સામે આવી રહી છે. આ ઘટના પ્રાગ શહેરની જણાવવામાં આવી રહી છે. આ દરમિયાન અનેક લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. મૃતકોની સંખ્યા પણ વધુ હોઈ શકે છે. ચેક રિપબ્લિક પોલીસના જણાવ્યા અનુસાર, ડાઉનટાઉન પ્રાગમાં ગોળીબારમાં અજ્ઞાત સંખ્યામાં લોકો માર્યા ગયા છે. આ સિવાય ગોળીબાર કરનાર હુમલાખોરનું પણ મોત થયું છે.
હવે લોકો માટે વધુ કોઈ જોખમ નથી – મંત્રી રકુસન
મંત્રી રકુસને જણાવ્યું હતું કે તમામ હુમલાખોરો ઘટનાસ્થળે જ માર્યા ગયા હતા અને અન્ય કોઈ શૂટરો બચ્યા નથી. તેમણે કહ્યું કે જનતા માટે વધુ કોઈ ખતરો નથી, પરંતુ લોકોને પોલીસને સહકાર આપવા વિનંતી કરી.
ચાર્લ્સ યુનિવર્સિટીની ફિલોસોફી ફેકલ્ટીમાં હુમલો
ચેક પોલીસે વધુમાં જણાવ્યું હતું કે જાન પલાચ સ્ક્વેર નજીકની એક શાળામાં ગોળીબાર બાદ પોલીસ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. માહિતી આપતાં પ્રાગના મેયર બોહુસ્લાવ સ્વોબોડાએ જણાવ્યું હતું કે સ્ક્વેર પર સ્થિત ચાર્લ્સ યુનિવર્સિટીની ફિલોસોફી ફેકલ્ટીને ખાલી કરાવવામાં આવી છે. વાસ્તવમાં હુમલાખોરોએ ચાર્લ્સ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને નિશાન બનાવ્યા છે.


