- વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો રોડમેપ આજની યુવાપેઢી કંડારશે
- જીવનની પરીક્ષામાં પાસ થવા પ્રમાણિકતા-મક્કમ મનોબળ અગત્યના છે
- એક હોલમાંથી જ 51,000થી વધુ સવાલોના જવાબ આપવામાં આવ્યા
રાજકોટથી જ્ઞાનગુરૂ કિવઝ (G3Q 2.0)નો આજે મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આપણા વિદ્યાર્થીઓ-યુવાનો દેશ-દુનિયાના પ્રવાહોથી સતત અપડેટ રહે, તેમની જિજ્ઞાસા વૃત્તિ કેળવાય અને યુવા શક્તિ જ્ઞાનસભર, માહિતીસભર બને તેવી વડાપ્રધાનની નેમને પાર પાડવા ગુજરાત સરકારે આ ક્વિઝરૂપી અભિનવ પહેલ વર્ષ-2022થી કરી છે. આગામી 10 અઠવાડિયા સુધી ચાલતી દેશની સૌથી મોટી ક્વિઝ સ્પર્ધામાં રાજકોટ ખાતેથી 2737 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને એક હોલમાંથી જ 51,000થી વધુ સવાલોના જવાબ આપવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે શિક્ષણ માનવીને કંકરમાંથી શંકર બનાવે છે. સવાલ-જવાબની પરંપરા ભારતની પ્રાચીન પરંપરા રહી છે અને ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ આ સમૃદ્ધ પરંપરાને આધુનિક ઢબે આગળ લઈ જવાનો એક પ્રયાસ છે. દરેક પ્રશ્નના જવાબ ‘ગૂગલ ગુરુ’ પાસેથી મેળવતી આજની પેઢીને આ ક્વિઝના માધ્યમથી યાદશક્તિના આધારે જવાબો આપવાની અને મનન ચિંતન કરવાની ટેવ કેળવાશે. તેમણે જણાવ્યું હતું કે આ ક્વિઝ માહિતીસભર અને ફ્યુચર રેડી ભાવિ પેઢી તૈયાર કરવાનું દૂરંદેશીભર્યું પગલું છે.


