- યુનિ.ના સત્તાધીશોના અણઘડ નિર્ણયથી વિદ્યાર્થીઓ, અધ્યાપકો ભેરવાયા
- ખાણી-પીણીની લારીઓ હટાવાયા બાદ હવે લોખંડનો ગેટ લગાવી દેવાયો
- યુનિ. અને એલડી કોલેજ વચ્ચે રાતોરાત બનાવેલા ગેટથી હાલ ટેમ્પરરી
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા પાડાના વાંકે પખાલીને ડામ આપવા જેવો અણઘડ નિર્ણય લેવાયો છે. યુનિવર્સિટી અને એલ.ડી. ઈજનેરી કોલેજ વચ્ચેના રસ્તા પર ઊભી રહેતી ખાણી-પીણીના લારી-ગલ્લા ફરી પાછા ગોઠવાઈ ન જાય એવી દલીલ સાથે અમદાવાદ એજ્યુકેશન સોસાયટી દ્વારા વર્ષો પહેલાં શહેરને આપેલો રસ્તો યુનિવર્સિટીએ પોતાની માલિકીનો ગણાવી શહેરવાસીઓ માટે બંધ કરી દીધો છે. યુનિ.ના આ નિર્ણયના કારણે વિદ્યાર્થીઓ, અધ્યાપકો તેમજ અન્ય રાહદારીઓ કે જેઓ આ રસ્તા પરની શૈક્ષણિક સંસ્થાઓ સાથે કોઈના કોઈ કારણસર જોડાયેલા છે તેઓ ભેરવાયાં છે. યુનિવર્સિટી દ્વારા લગાવેલ આ લોખંડનો ગેટ હાલમાં ટેમ્પરરી અને આગામી સમયમાં કાયમી માટે બંધ કરી દેવાય તો નવાઈ નહી તેવી ચર્ચા ઊઠી છે. ગુજરાત યુનિવર્સિટી અને એલ.ડી.ઈજનેરી કોલેજ વચ્ચે પસાર થતા રસ્તા પર એલ.ડી ઈજનેરી કોલેજ, કેસીજી, ગર્લ્સ પોલિટેકનિક, અટીરા, PRL, યુનિ.ના રેસિડેન્સિયલ ક્વાર્ટ્સ, કુલપતિ અને કુલસચિવનો બંગ્લો, યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલ, યુનિ. પોલીસ સ્ટેશન આવેલા છે. આ રસ્તા મારફતે પાછળના ભાગેથી IIM-A, AMA પણ નિકળાય છે. વર્ષોથી આ રસ્તા પર ક્યારેય કોઈ ગેટ લગાવવામાં આવ્યો નથી. આ રસ્તા પર ખાણી-પીણીની લારીઓના કારણે ટ્રાફિક અને ગંદકીની સમસ્યા સર્જાતી હતી. પરંતુ કુલપતિ દ્વારા પ્રથમ સુચના આપી અને એ પછી પોલીસ-કોર્પોરેશનની મદદથી તમામ લારી-ગલ્લા હટાવી દેવામાં આવ્યાં. બાદમાં યુનિવર્સિટી દ્વારા આ રસ્તા પર કાયમી ધોરણે લોખંડનો ગેટ લગાવી દેવામા આવ્યો છે. આજે દિવસ દરમિયાન ગેટ બંધ રખાતાં રવિવારની રજા હતી છતાં યુનિવર્સિટીમાં ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલનો પ્રારંભ સહિતના કાર્યક્રમ હોવાથી વિદ્યાર્થી, અધ્યાપકો સહિતના રાહદારીઓએ ભારે હાલાંકી ભોગવવી પડી હતી. યુનિ. સત્તાધીશો દ્વારા એવો બચાવ કરવામાં આવી રહ્યો છે કે, આ યુનિવર્સિટીના માલિકીનો રસ્તો છે, જેથી ફરી કોઈ લારી-ગલ્લા આવી ન જાય એટલા માટે ગેટ લગાવાયો છે. પરંતુ શિક્ષણ આલમમમાં થતી ચર્ચા મુજબ આ દલીલ ગળે ઉતરે એવી નથી.
ગેટ બંધ રહેશે તો GLF અને સપ્તકમાં આવતા લોકોને હાલાકી પડશે
યુનિવર્સિટી દ્વારા જો આ ગેટ બંધ જ કરી દેવામાં આવશે તો આજથી શરૂ થનાર ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ અને 1લી જાન્યુઆરી શરૂ થનાર સપ્તકમાં જનાર શહેરીજનોને ભારે હાલાંકી ભોગવવી પડશે.


