- ટોલનાકા પર ટોલ આપવા મુદ્દે થયેલી તકરારની અદાવત રાખી ટોળાનો હુમલો
- રાત્રિના સુમારે તોફાની તત્ત્વો લાકડીઓ અને ધોકા લઈ ટોલકર્મી પર તૂટી પડયા
- પોલીસ પોઈન્ટ શોભાના ગાંઠિયા સમાન તંગદિલી
પાલનપુરના ખેમાણા ટોલટેક્ષ ઉપર રાત્રી દરમિયાન ટોલટેક્સ ભરવા ને લઈ તોફાની તત્વોનો આતંક જોવા મળ્યો છે. ટોલ આપવા બાબતની તકરારને લઈને આઠ જેટલા લોકોના ટોળાએ લાકડીઓ અને ધોકા વડે ટોલકર્મી ઉપર ઉમલો કર્યો હતો. જેમાં હુમલામાં ટોલકર્મી ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. સામાન્ય દિવસોમાં ટોલટેક્સ નજીક પોલીસ પોઇન્ટ હોવા છતાં હુમલાખોરોને જાણે પોલીસનો ડર જ ના હોય તેમ હુમલાખોરો બેફમ બન્યા છે. પાલનપુર તાલુકા પોલીસના પેટ્રોલિંગના દાવા પોકળ થયા સાબિત છે. ટોલ કર્મીએ પાલનપુર તાલુકા પોલીસ મથકે હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
બનાસકાંઠા જિલ્લાના ખેમાણા ટોલ ટેક્સ કેટલાક ઈસમોએ રાત્રિ દરમિયાન તોડફેડ કરી એક ટોલટેક્સના કર્મચારીને લાકડી અને ધોકા વડે માર માર્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં બે દિવસ અગાઉ પાલનપુર તરફ્થી એક ગાડી ચાલક ફસ્ટટેગ લાઈનમાં જઈ ટોલ ન ભરતા અને ટોલના કર્મચારી જુનેદખાન સિંધી સાથે બોલાચાલી કરી હતી. જે બાદ ગાડી ચાલક ત્યાંથી નીકળી ગયેલ અને શનિવારે સાંજના પાંચથી છ વાગ્યાના વચ્ચે કર્મચારી જુનેદખાન સિંધી પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવેલ અને કહેલ કે તે મારી ગાડી ગઈકાલ રાત્રે ગાડી કેમ રોકાવી હતી અને કેમ ટોલટેક્સ ભરવાનું કીધું. મારા ગામનું નામ પડે એટલે ટોલટેક્સ માગવાનું નહીં. તે કેમ ટોલટેક્સ માગ્યો આજે તને પતાવી દેવાનો છે તેવું કહેવા લાગ્યો હતો. ટોલટેક્સ કર્મચારી જુનેદખાન સિંધીએ ફેન કાપી નાખ્યો હતો. રાત્રિના સાડા સાતથી આઠ વાગ્યાના વચ્ચે અમીરગઢ તરફ્થી બે ગાડીઓ રોંગ સાઈડમાં આવીને તેમાંથી ધોકા લાકડીઓ સાથે 10 જેટલા ઈસમો ઉતરીને ટોલટેક્સ પર તોડફેડ કરવા લાગ્યા હતા અને બે દિવસ અગાઉ થયેલી બોલોચાલીની અદાવતમાં કર્મચારી જુનેદખાન નથેખાન સિંધીને શોધવા લાગ્યા હતા. જેમાંથી એક ઇસમને કર્મચારી જુનેદખાન ટોલ કેબિનમાં દેખાઈ જતા જુનેદખાનને ઇસમોએ બાર લાવી રોડ ઉપર પટકીને ધોકા લાકડીઓ વડે આડેધડ મારવા લાગ્યા હતા. કર્મચારીએ બૂમાબૂમ કરતા આજુબાજુના અન્ય ટોલ કર્મચારીઓ પણ દોડી આવતા ગાડીમાં આવેલા ઈસમો ત્યાંથી ગાડીમાં બેસી નાસી છૂટયા હતા. જોકે કર્મચારીની માર મારવાના કારણે હાલત ગંભીર થતાં જુનેદખાનને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જોકે બનાવની જાણ પાલનપુર તાલુકા પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી સમગ્ર ઘટનાને નહીં ફરિયાદ નોંધી છે. જોકે ટોલ પર લગાવેલા સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ છે.
સદર ઘટના અંગે પાલનપુર તાલુકા પોલીસ ઈન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે ટોલટેક્સ પર થયેલી ઘટનાને લઇ પાંચ સામે નામ જોગ ફરિયાદ નોંધાઈ છે અને અન્ય ત્રણ ઈસમો પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓ ફરાર છે. તેની તપાસ હાલ ચાલુ છે.
કોની સામે ફરિયાદ નોંધાઈ
નિકુલસિંહ રંગસિહ ડાભી, અનિલસિંહ કાનસિંહ ડાભી, સતિષકુમાર અરવિંદભાઇ બારોટ,
જશવંતિસંહ ઉર્ફે ભાણો, બંટી બારોટ તથા બીજા 3 શખ્સો( તમામ રહે.સરોત્રા, તા.અમીરગઢ)


