- BRS સાંસદ કે. કવિતાએ રાહુલ ગાંધીને આડેહાથે લીધા
- વિવાદિત ટિપ્પણીઓ કરતા નેતાઓના પક્ષ DMK સાથે કોંગ્રેસ ગઠબંધનમાં છે
- લોકસભાની ચૂંટણી તેઓ સાથે લડશે
તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવનાં પુત્રી અને ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)નાં સાંસદ કે. કવિતાએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેમને ગયા મહિને રાજ્યમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી પહેલાંની વાતો યાદ અપાવી હતી. કોંગ્રેસે આ ચૂંટણીમાં બીઆરએસને હરાવી હતી. કવિતાએ રાહુલની મજાક ઉડાવી તેમને ‘ચુનાવી ગાંધી’ કહ્યા અને સનાતન ધર્મ વિવાદ સહિત કોંગ્રેસની આગેવાની હેઠળના વિરોધપક્ષોના ગઠબંધનના સભ્યો દ્વારા વિવાદાસ્પદ ટિપ્પણીઓ પર તેમનું વલણ સ્પષ્ટ કરવાની માંગ કરતા કહ્યું હતું કે આજે આપણે ઘણા રાજકીય નેતાઓના દુર્ભાગ્યપૂર્ણ નિવેદનો જોઇ રહ્યા છીએ. અમુક વર્ગો પાસેથી મત મેળવવાની આ પ્રક્રિયા આખરે દેશને એવી રીતે વિભાજિત કરશે કે જેની આપણે કલ્પના પણ કરી શકીએ તેમ નથી. જેમ કે કેટલાક પક્ષો સનાતન ધર્મનું તથા શૌચાલય સાફ્ કરનારા કર્મીઓનું અપમાન કરે છે. તેઓ તમિલનાડુના મુખ્યપ્રધાન એમ. કે. સ્ટાલિનના પુત્ર અને રાજ્ય સરકારના પ્રધાન ઉદયનિધિ સ્ટાલિનની સનાતન ધર્મ અંગેની વિવાદાસ્પદ ટિપ્પણી તથા શૌચાલય સાફ્ કરનારા કર્મીઓનું અપમાન કરતા ડીએમકે નેતા દયાનિધિ મારનના એક વાઇરલ વીડિયોના સંદર્ભમાં આ વાત કરી રહ્યા હતા. મારને કહ્યું હતું કે ઉત્તરપ્રદેશ અને બિહારના લોકો અમારા રાજ્યમાં (તમિલનાડુ) શૌચાલયો સાફ કરે છે. નોંધનીય છે કે તમિલનાડુમાં કોંગ્રેસ શાસક ડીએમકે સાથે ગઠબંધનમાં છે. ડીએમકે વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.નો પણ હિસ્સો છે. કવિતાએ ઉમેર્યું હતું કે આ નિવેદનોને હળવાશથી ન લેવા જોઇએ. રાહુલ ગાંધી ભારત જોડવાની વાત કરે છે પણ જો તેમણે ઉદયનિધિ દ્વારા સનાતન ધર્મનું અપમાન કરીને કરોડો દેશવાસીઓને દુઃખ પહોંચાડાયું હતું ત્યારે જ સમગ્ર બાબતને ગંભીરતાથી લીધી હોત તો એ પછી અન્ય નેતાઓએ આવી ટિપ્પણી કરવાનું ટાળ્યું હોત.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં તેલંગાણા વિધાનસભાની યોજાયેલી ચૂંટણીઓમાં કોંગ્રેસે દસ વર્ષથી સત્તા પર રહેલા કવિતાના પક્ષને કારમો પરાજય આપ્યો હતો. આ બંને પક્ષ વચ્ચે પહેલેથી જ ગજગ્રાહ ચાલી રહ્યો છે. બીઆરએસ વિપક્ષી ગઠબંધનમાં જોડાયું નથી. એક સમયે બીઆરએસના સ્થાપક કેસીઆર તેમના પક્ષને રાષ્ટ્રીય સ્તરે લઈ જવા માગતા હતા. પરંતુ પોતાના જ રાજ્યમાં પરાજય અને અન્ય વિપક્ષ સાથે સમજૂતી ના થતા તેઓ હવે એકલા પડી ગયા છે.


