- જોખમી મકાનો ઉતારવા બોર્ડ સરકાર પાસે માર્ગદર્શન માગશે
- અતિ જર્જરિત 12,550 મકાનોના માલિકો નથી રિપેર કરાવતા
- રિડેવલપમેન્ટમાં સાથ આપતા નથી
ગુજરાત હાઉસીંગ બોર્ડના અમદાવાદના અતિજર્જરીત 12,550 સહિત રાજ્યના 36 હજાર મકાનોમાં તાત્કાલિક રિપેરીંગ કરાવવાની જરુરી છે. આમ છતાં મકાન માલિકો દ્વારા મકાન રિપેરીંગ કરાવવાની તસ્દી લેવાતી નથી અને હાલ જીવના જોખમે રહેતા હોવાનું બોર્ડની જાત તપાસમાં બહાર આવ્યું છે. મકાન માલિકો બોર્ડ દ્વારા ચાલતી રિડેવલપમેન્ટની પ્રક્રિયામાં લેખિત સંમતિ પણ અપાતા નથી. જેથી જોખમકારક મકાનોમાં ભવિષ્ય કોઇ પણ હોનારત સર્જાય કે જાનહાની થાય તો હવે પછી બોર્ડની જવાબદારી નહીં હોવાની બોર્ડ દ્વારા સરકારને જાણ કરાશે. ઉપરાંત સરકાર પાસે મ્યુનિ.કોર્પોરેશન અને ડિઝાસ્ટર એક્ટ પ્રમાણે જોખમકારક મકાનો ઉતારવા માર્ગદર્શન પણ મંગાશે.
બોર્ડે અમદાવાદની 40 મળી રાજ્યની 127 કોલોનીઓના MIG, LIG અને EWS ટાઇપના અતિજર્જરીત 36 હજાર મકાન માલિકોને બે વાર નોટીસ ઇસ્યુ કરીને જાણ કરી છેકે, તમારા મકાન તાત્કાલિક રિપેરીંગ કરાવો અથવા તો બોર્ડ દ્વારા ચાલતી રિડેવલપમેન્ટની પ્રક્રિયામાં લેખિત સંમતિ આપી જોડાઇ જાવો. નોટીસ પછી પણ કોઇ ફરક પડયો નથી.
આ સ્થિતીમાં અતિજર્જરીત મકાનોમાં કોઇ પણ હોનારત સર્જાય તો બોર્ડના માથે ઠીકરું ફુટે નહીં તે માટે બોર્ડ દ્વારા સરકારને લેખિત જાણ કરીને આ બાબતે ધ્યાન દોરાશે. બોર્ડે 127માંથી 117 કોલોનીઓની ટેન્ડર પ્રક્રિયા કરી દીધી છે. ટેન્ડર પ્રક્રિયા દરમિયાન કોલોનીઓના સભ્યો તરફથી મૌખિક સંમતિ આવી છે, ત્યાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા વેગવંતી બની છે. પરંતુ સભ્યો તરફથી લેખિત સંમતિ આપવા બહાનાબાજી કરાય છે. જેથી 75 ટકાથી વધુ લેખિત સંમતિ નહીં થતાં હાલ રિડેવલપમેન્ટની પ્રક્રિયા ઘોચમાં પડી છે. અતિજર્જરીત 10 કોલોનીમાં તો રિડેવલપમેન્ટનો સ્પષ્ટ ઇન્કાર કરાયો છે. આ સ્થિતીમાં ચોમાસામાં કોઇ પણ અઘટિત ઘટનામાં જાનમાલના નુકશાનની જવાબદારી બોર્ડના માથે ના આવે તે માટે પગલાં ભરાઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
361 કોલોનીમાંથી 127 અતિજર્જરિત
રાજ્યની 361 અતિજર્જરીત કોલોનીઓની તપાસ કરવા માટે અલગ અલગ 25 ટીમો બનાવી હતી. જેમાં 75 જેટલા કર્મચારીઓ હતાં. તમામ કોલોનીઓની તપાસ બાદ 127 કોલોનીઓ અતિજર્જરીત હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે બોર્ડને લેખિત રિપોર્ટ પણ કરાયો હતો. આ પછી પ્રથમ તબક્કામાં 48 અને બીજા તબક્કામાં 69 કોલોનીઓમાં ટેન્ડર કરાયા હતાં. હાલ બે મહિના પૂરા થશે. પરંતુ રિડેવલપમેન્ટ માટે જરુરી લેખિત સંમતિ આવી નથી.
અમદાવાદની 193 સહિત રાજ્યમાં 363 કોલોની જર્જરિત
ગુજ.હાઉ.બોર્ડની રાજ્યમાં વિવિધ ટાઇપના મકાનોની 1011 કોલોનીઓ છે. હજી 971 કોલોનીમાંથી અમદાવાદની 40 મળી રાજ્યમાં 454 ટેનામેન્ટ અને રો-હાઉસ પ્રકારના મકાનો છે. જ્યારે બાકીની 517 માંથી 361 કોલોનીઓ જર્જરીત છે. આામાં અમદાવાદની 193 કોલોનીઓ જર્જરીત છે.


