- ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર રશિયાના 5 દિવસના પ્રવાસે
- રશિયાના વિદેશ મંત્રી અને અન્ય ટોચના નેતાઓને મળ્યા જયશંકર
- તેઓ બંને દેશોમાં કનેક્ટિવિટી વધારવા પ્રાદેશિક સંઘર્ષ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર રશિયાના 5 દિવસના પ્રવાસે છે. રશિયાના વિદેશ મંત્રી અને અન્ય ટોચના નેતાઓને મળ્યા પહેલા એસ જયશંકરે રશિયામાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે ભૌગોલિક અને વ્યૂહાત્મક પરસ્પર નિર્ભરતાને કારણે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો હંમેશા મજબૂત રહેશે. જયશંકરે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે તેઓ બંને દેશોમાં કનેક્ટિવિટી વધારવા પ્રાદેશિક સંઘર્ષ વગેરે જેવા મુદ્દાઓ પર રશિયન નેતાઓ સાથે વાત કરશે.
યુક્રેન યુદ્ધ દરમિયાન પણ ભારતે રશિયાની ટીકા કરવાનું ટાળ્યું
તમને જણાવી દઈએ કે યુક્રેન પર રશિયાના હુમલા બાદ રશિયાના આ પગલાની આખી દુનિયામાં ટીકા થઈ હતી પરંતુ ભારતે ભારે દબાણ હોવા છતાં પોતાના જૂના મિત્ર દેશની ટીકા કરી નથી. જોકે ભારતે સ્પષ્ટ કર્યું હતું કે તે યુદ્ધની વિરુદ્ધ છે પરંતુ ભારતીય નેતૃત્વએ ખુલ્લેઆમ રશિયાની ટીકા કરવાનું ટાળ્યું અને કહ્યું હતું કે આ વિવાદનો ઉકેલ કૂટનીતિ અને વાતચીત દ્વારા થવો જોઈએ. યુક્રેન સાથેના યુદ્ધ બાદ ભારતે મોટા પ્રમાણમાં રશિયન ક્રૂડ ઓઈલની આયાત કરી છે. રશિયામાં જયશંકર રશિયાના નાયબ વડા પ્રધાન અને ઉદ્યોગ અને વેપાર પ્રધાનને મળશે. જયશંકર રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવને પણ મળશે.
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. વિદેશ મંત્રી વેપાર, ઉર્જા, સંરક્ષણ અને કનેક્ટિવિટી જેવા ક્ષેત્રો પર પણ વાત કરશે. વિદેશ મંત્રી જયશંકર 25 થી 29 ડિસેમ્બર સુધી રશિયાના પ્રવાસે છે.
આ વર્ષે પણ સમિટ થઈ નથી
વિદેશ મંત્રીની મુલાકાત દ્વારા બંને દેશોના સંબંધોમાં ઉષ્મા જળવાઈ રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ આ વર્ષે પણ ભારત અને રશિયા વચ્ચે કોઈ સમિટ નહીં થાય. બંને દેશો વચ્ચે છેલ્લી સમિટ 6 ડિસેમ્બર 2021ના રોજ થઈ હતી. તે સમિટ માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત આવ્યા હતા. ત્યાર બાદ કોરોના મહામારી અને યુક્રેન યુદ્ધને કારણે બંને દેશો વચ્ચે સમિટ થઈ શકી નહીં. વડાપ્રધાન મોદીએ છેલ્લે સપ્ટેમ્બર 2019માં રશિયાની મુલાકાત લીધી હતી.


