- PM મોદીએ ક્રાઉન પ્રિન્સ સાથે ફોન પર કરી વાતચીત
- બંને નેતાઓ વચ્ચે વિકાસ અને દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીના ભવિષ્ય પર વાતચીત
- પ્રદેશમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા માટે સાથે મળીને કામ કરવા સંમત થયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન મોહમ્મદ બિન સલમાન સાથે ફોન પર વાત કરી છે. બંને નેતાઓ વચ્ચે વિકાસ અને દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીના ભવિષ્ય પર વાતચીત થઈ હતી. આ સિવાય બંને નેતાઓએ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પશ્ચિમ એશિયાની સ્થિતિ પર પણ ચર્ચા કરી હતી.
આ દરમિયાન પીએમ મોદીએ પશ્ચિમ એશિયાની સ્થિતિ, ખાસ કરીને આતંકવાદ, હિંસા અને નાગરિકોના નુકસાન પર ચિંતા વ્યક્ત કરી હતી. પીએમ મોદી અને મોહમ્મદ બિન સલમાન પણ ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા માટે સાથે મળીને કામ કરવા સંમત થયા હતા.
PM મોદીએ ટ્વીટ કરીને માહિતી આપી
આ વાતચીત બાદ PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, ‘ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીના ભવિષ્ય પર પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે સારી વાતચીત થઈ હતી. અમે પશ્ચિમ એશિયાની સ્થિતિ પર મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું અને આતંકવાદ, હિંસા અને નાગરિકોના જીવનના નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પ્રદેશમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા માટે સાથે મળીને કામ કરવા સંમત થયા હતા.
દ્વિપક્ષીય ભાગીદારી એજન્ડા પર પણ ચર્ચા થઈ
સપ્ટેમ્બર 2023માં ક્રાઉન પ્રિન્સની ભારતની રાજ્ય મુલાકાત બાદ બંને નેતાઓએ દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીમાં પ્રગતિની સમીક્ષા કરી હતી. તેઓએ ભવિષ્ય માટે દૂરદર્શી દ્વિપક્ષીય ભાગીદારી એજન્ડાની પણ ચર્ચા કરી હતી.
વડાપ્રધાન મોદીએ ઈઝરાયેલ-પેલેસ્ટાઈન મુદ્દે ભારતની લાંબા ગાળાની અને સૈદ્ધાંતિક સ્થિતિનો પુનરોચ્ચાર કર્યો અને અસરગ્રસ્ત વસ્તીને માનવતાવાદી સહાયતા ચાલુ રાખવા માટે હાકલ કરી હતી. બંને નેતાઓ ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા માટે સાથે મળીને કામ કરવા સંમત થયા હતા. તેમણે દરિયાઈ સુરક્ષા અને નેવિગેશનની સ્વતંત્રતા જાળવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
PM મોદીએ સાઉદી અરેબિયાને શુભેચ્છા પાઠવી
વડાપ્રધાને સાઉદી અરેબિયાને એક્સ્પો 2030 અને ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ 2034ના યજમાન તરીકે પસંદ થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.


