- અમે પુષ્ટિ કરી શકીએ છીએ કે દૂતાવાસની નજીક સાંજે 5:48 વાગ્યે વિસ્ફોટ થયો:ઈઝરાયેલી દૂતાવાસ
- દિલ્હી પોલીસ અને સુરક્ષા ટીમ હજુ પણ પરિસ્થિતિની તપાસ કરી રહી છે
- ઈઝરાયેલના નાગરિકોને ભીડવાળા સ્થળોએ ન જાવ અને ધ્યાન રાખો
ભારતની રાજધાની નવી દિલ્હીમાં મંગળવાર (26 ડિસેમ્બર)ના રોજ ઇઝરાયેલની એમ્બેસી પાસે વિસ્ફોટ થયો હતો. ત્યાર બાદ ઇઝરાયેલની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે ભારતમાં તેના નાગરિકો માટે એક એડવાઇઝરી જારી કરી છે. આ બાબતે ઈઝરાયેલની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે કહ્યું હતું કે આ વિસ્ફોટ સંભવતઃ આતંકવાદી હુમલો હોઈ શકે છે. મંગળવારે સાંજે નવી દિલ્હીના ચાણક્યપુરી ડિપ્લોમેટિક એન્ક્લેવમાં ઇઝરાયલી દૂતાવાસની નજીક થયેલા વિસ્ફોટમાં કોઈને ઈજા થઈ નથી.
ઈઝરાયેલી દૂતાવાસે કહ્યું હતું કે, ‘અમે પુષ્ટિ કરી શકીએ છીએ કે દૂતાવાસની નજીક સાંજે 5:48 વાગ્યે વિસ્ફોટ થયો હતો. દિલ્હી પોલીસ અને સુરક્ષા ટીમ હજુ પણ પરિસ્થિતિની તપાસ કરી રહી છે.’ ઈઝરાયેલની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ અનુસાર, ઈઝરાયેલના નાગરિકોને ભીડવાળા સ્થળો અને યહૂદીઓ સાથે સંકળાયેલા સ્થળોએ જવાનું ટાળવા ચેતવણી આપવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર માહિતી આપવાનું ટાળો
ઈઝરાયેલની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે તેના નાગરિકોને રેસ્ટોરાં, હોટલ અને પબ જેવા સાર્વજનિક સ્થળો પર જવાની મનાઈ ફરમાવી છે. આ સિવાય તેણે નાગરિકોને ઈઝરાયેલના પ્રતીકો દર્શાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. મોટા પાયે કાર્યક્રમોમાં ભાગ લેવાનું ટાળો અને ટ્રાવેલ ઇટિનરરીઝ તેમજ વાસ્તવિક સમયની મુસાફરીના ફોટા અને માહિતી સોશિયલ મીડિયા પર શેર કરવાથી દૂર રહો.
ઘણી સુરક્ષા ટીમો ઘટનાસ્થળે પહોંચી
ઈઝરાયલ એમ્બેસી પાસે સ્થિત સેન્ટ્રલ હિન્દી ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટની બહાર વિસ્ફોટ થયા બાદ તરત જ દિલ્હી પોલીસની વિશેષ ટીમ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ફાયર વિભાગની ટીમો સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ દરમિયાન લગભગ 3 કલાક સુધી વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. નવી દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, એક ટીમે પણ ઘટના સ્થળની તપાસ કરી હતી. હુમલા બાદ દૂતાવાસ અને અન્ય ઈઝરાયલી સંસ્થાનોની આસપાસ સુરક્ષા કડક કરી દેવામાં આવી છે.


