- હુથી બળવાખોરોએ લાલ સમુદ્રમાં પાકિસ્તાન જતી કન્ટેનર જહાજને નિશાન બનાવ્યું
- તે કિંગ અબ્દુલ્લા પોર્ટ સાઉદી અરેબિયાથી કરાચી બંદર તરફ આવી રહ્યું હતું
- જહાજને થયેલા કુલ નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી
ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ મંગળવારે લાલ સમુદ્રમાં પાકિસ્તાન જતી કન્ટેનર જહાજને નિશાન બનાવ્યું હતું. જે જહાજ પર હુમલો કરવામાં આવ્યો તે કિંગ અબ્દુલ્લા પોર્ટ સાઉદી અરેબિયાથી કરાચી બંદર તરફ આવી રહ્યું હતું. જહાજની કંપનીએ પોતે હુમલાની પુષ્ટિ કરી છે. જોકે, વહાણમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. હુથી બળવાખોરોએ આ હુમલાની જવાબદારી લીધી છે.
રિપોર્ટ અનુસાર, મેડિટેરેનિયન શિપિંગ કંપનીએ કહ્યું હતું કે મંગળવારે લાલ સમુદ્ર પાર કરતી વખતે યુનાઈટેડ VIII પર હુમલો કરવામાં આવ્યો હતો. એમએસસીએ જણાવ્યું હતું કે તમામ ક્રૂ સલામત છે અને કોઈ ઈજાના અહેવાલ નથી. જહાજને થયેલા કુલ નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી.
નોંધનીય છે કે હાલનાં અઠવાડિયામાં હુથી વિદ્રોહીઓએ લાલ સમુદ્રમાં ઘણા જહાજોને નિશાન બનાવ્યા છે. એક અહેવાલ મુજબ, હુથી વિદ્રોહીઓએ લાલ સમુદ્રમાં જહાજો પર 100થી વધુ ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા છે.
પીએમ મોદી અને ક્રાઉન પ્રિન્સે ફોન પર વાત કરી
હુથી વિદ્રોહીઓના આતંકને કારણે ઘણા જહાજોને તેમના રૂટ બદલવા પડ્યા છે. આ દરમિયાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે ફોન પર વાત કરી છે. બંને નેતાઓ પશ્ચિમ એશિયામાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા જાળવવા માટે કામ કરવા સંમત થયા છે.
ઈઝરાયલ-હમાસ યુદ્ધને કારણે હુમલામાં વધારો થયો
ગત શનિવારે સાઉદી અરેબિયાથી ભારત આવી રહેલા જહાજ પર અરબી સમુદ્રમાં હુમલો કરવામાં આવ્યો હતો. આ પહેલા લગભગ એક મહિના પહેલા હુથી વિદ્રોહીઓએ લાલ સમુદ્રમાં કાર્ગો શિપ ગેલેક્સી લીડરને હાઇજેક કર્યું હતું. આ જહાજ તુર્કીથી ભારત આવી રહ્યું હતું. હુથી બળવાખોરોએ તેને ઇઝરાયેલનું જહાજ માનીને હાઇજેક કર્યું હતું. ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ બાદ ઈઝરાયેલ તરફ જઈ રહેલા જહાજો પર આ હુમલા થઈ રહ્યા છે.


