- ટેન્ડરકાંડને ઢાંકવા ગુજસેલએ હવે દિલ્હીવાળી એર કંપનીને માથે ઠીકરું ફોડવાનું શરૂ કર્યું
- સરકારી હેલિકોપ્ટર માટે ‘ગુજસેલ’ને બદલે પ્રાઈવેટ કંપનીને ધંધો કરાવવા IASનો ખેલ ઊંધો પડયો
- ગુજસેલ 15 લાખમાં પાઈલોટ પુરા પાડતુ હતું, સાંગવાને દિલ્હીની કંપનીને 27 લાખમાં કામ સોંપ્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત VVIPની હવાઈ ઉડ્ડયન માટે સરકારી માલિકીના હેલિકોપ્ટરને પાઈલોટની ફેસેલિટી પુરી નહિ પાડનાર દિલ્હી સ્થિત પિનાકલ એર કંપનીને નાગરીક ઉડ્ડયન વિભાગે શો- કોઝ નોટીસ ફટકારી છે. CM અને રાજ્યપાલનો સમય, પદની ગરિમા, સલામતી અને પ્રોટોકોલની ઐસીતૈસી કરીને પાઈલોટ ન આપનારી દિલ્હીની આ કંપનીને ત્રણ મહિના પૂર્વે ગુજરાત સ્ટેટ એવિયેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ- ગુજસેલના ઈન્ચાર્જ ડાયરેક્ટર રહેતા IAS નીતિન સાંગવાને ટેન્ડરથી કામ સોંપ્યુ હતુ.
ગુજરાતમાં સરકારી માલિકીના હેલિકોપ્ટરના સંચાલન માટે પહેલાથી જ સરકારની નોડલ એજન્સી કમ કંપની ગુજસેલ દ્વારા પાઈલોટની સેવા ઉપલબ્ધ થતી રહી છે. તેના માટે મહિને રૂપિયા 12 લાખથી 15 લાખ વચ્ચે ગુજસેલને બીલપેટે ચૂકવાતા હતા. પરંતુ, ગતવર્ષે 200 કરોડના નવા જેટ પ્લેન, જૂના ચાર્ટર વિમાન અને ડૌફીન હેલિકોપ્ટર એમ ત્રણ એરક્રાફ્ટના રખરખાવ, રિપેરિંગના કામમાં કરોડો રૂપિયાનુ કૌભાંડ તેમજ તેનો અંગત વપરાશ કર્યાનું બહાર આવ્યા બાદ ગુજસેલના ડાયરેક્ટરપદેથી કેપ્ટન અજય ચૌહાણને મુખ્યમંત્રીએ સસ્પેન્ડ કરી લાંચ રૂશ્વત બ્યુરો- ACB અને નાગરીક ઉડ્ડયન વિભાગને તપાસ સોંપી હતી. જેમાં હજી સુધી નક્કર કાર્યવાહી થઈ નથી. તેવામાં ગુજસેલના ડાયરેક્ટરપદે આવેલા IAS નીતિન સાંગવાને જે કામ રૂ.15 લાખ થતુ તે દિલ્હી સ્થિત પિનાકલ એર કંપનીને રૂ.27 લાખમાં સોંપ્યુ હતુ. મત્સોદ્યોગ કમિશનરે તેના માટે ખાસ ટેન્ડર બહાર પાડયુ હતુ. જે ગુજસેલના ઈતિહાસમાં પહેલી વખત હતુ ! જો કે, પિનાકલ એર કંપની ટેન્ડરના આરંભે જ પાઈલોટ પુરા પાડી શક્યુ નહી અને છેવટે ગુજસેલમાંથી નીતિન સાંગવાનની હકાલપટ્ટી કરી દેવાઈ. હવે માત્ર 25- 26 દિવસમાં જ છથી સાત વખત પાઈલોટ ઉપલબ્ધ ન કરાવનાર પિનાકલ એરને બ્લેક લિસ્ટ કરવા નાગરીક ઉડ્ડયન વિભાગના સચિવે હરિત શુક્લાએ શો-કોઝ નોટિસ ફટકાર્યાનું જાહેર થયુ છે.


