- JDUના અધ્યક્ષે જ નકારી કાઢી પોતાના રાજીનામાંની અટકળો
- ભાજપના ઇશારે મીડિયા દ્વારા ભ્રમ ફેલાવાઈ રહ્યો છે: લલન સિંહ
- લલન સિંહ અધ્યક્ષ પદ નહિ છોડે અને ભાજપમાં પણ નહીં જાય:ત્યાગી
જનતાદળ (યુનાઈટેડ)ના અધ્યક્ષ રાજીવ રંજન સિંહ ઉર્ફ લલન સિંહે ગુરુવારે પોતાના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યાની અટકળોને નકારતા કહ્યું છે કે કેન્દ્રની સત્તાધારી પાર્ટી ભાજપના ઇશારે મીડિયા દ્વારા ભ્રમ ઊભો કરવામાં આવી રહ્યો છે JDUના રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પહેલા પાર્ટી અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની અટકળો વચ્ચે સિંહે કહ્યું છે કે આ બેઠક નિયમિત છે અને તેમની પાર્ટી પણ એકજુટ છે.
સિંહે તીખા શબ્દોમાં કહ્યું કે, “જો મારે રાજીનામું આપવું હોય તો હું મીડિયાકર્મીઓને બોલવું અને તમારી સાથે ચર્ચા કરું કે મારે રાજીનામાંમાં શું લખું જેથી તમે ભાજપ કાર્યાલય જઈ શકો અને મુસદ્દો મેળવી શકો.” સિંહે કહ્યું કે આ એક નિયમિત બેઠક છે. તમે મીડિયા વાળા લોકો વાર્તાઓ બનાવી રહ્યા છો. JDU એક છે અને એક જ રહેશે.”
લલન સિંહ અધ્યક્ષ પદ નહિ છોડે અને ન તો ભાજપમાં જશે: કેસી ત્યાગી
JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહના રાજીનામાંની અટકળો વચ્ચે કેસી ત્યાગીએ કહ્યું છે કે લલન સિંહે આજે રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠકની અધ્યક્ષતા કરી છે અને તેઓ આવતીકાલે રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકની અધ્યક્ષતા કરશે. તેમને કહ્યું કે લલન સિંહ JDUનું અધ્યક્ષ પદ નથી છોડી રહ્યા અને ન તો ભાજપમાં જોડાઈ રહ્યા. આ બધુ જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે. રાજીનામાંની બધી વાતો ભ્રામક છે.
આ પહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પોતાની પાર્ટીમાં ઉથલપાથલની અટકળો રદિયો આપતા કહ્યું હતું કે દિલ્હીમાં JDUનું બે દિવસીય સંમેલન એક સામાન્ય અને વાર્ષિક આયોજન છે જેમાં કઈ પણ અસાધારણ નથી. JDUના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક રાજધાનીના જંતર-મંતર ખાતે આવેલ પાર્ટી ઓફિસ ખાતે થઈ રહી છે. ત્યારબાદ, શુક્રવારે રાષ્ટ્રીય કાર્યકારિણી અને રાષ્ટ્રીય પરિષદની બેઠક થશે.
છેલ્લે કેટલાંક દિવસથી મીડિયાના એક વર્ગ દ્વારા અટકળો લગાવવામાં આવી રહી હતી કે લલન સિંહને JDUની સહયોગી પાર્ટી RJD સાથે કથિત નિકટતાને કારણે અધ્યક્ષ પદેથી રાજીનામું આપવા માટે કહેવામાં આવી શકે છે. મીડિયામાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ગત વર્ષે ઓગસ્ટમાં ભાજપ સાથે ગઠબંધન તોડયા બાદ નીતિશ કુમાર એક વાર ફરી NDA તરફ વળી શકે છે.


