- જરૂરિયાતને ધ્યાને રાખી દારૂની છૂટ અંગે નિર્ણય લેવાશે : પ્રવક્તા મંત્રી
- રાજ્યના પ્રવાસન સ્થળોએ દારૂબંધી હળવી કરવા સરકારના સ્પષ્ટ સંકેત
- તબિયતના નામે દારૂ પીનારા અમદાવાદ, સુરતમાં વધુ
ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની પરમિશનના નિર્ણય બાદ સોશિયલ મીડિયા પર આ સમગ્ર મુદ્દો ચર્ચાની ચગડોળે છે, આ તબક્કે રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે ગુરુવારે ગાંધીનગર ખાતે જણાવ્યું હતું કે, સાપુતારા, સ્ટેચ્યૂ ઓફ યુનિટી જ્યાં આવેલું છે તે કેવડિયા અને ધોરડો સહિતના પર્યટન સ્થળોએ સમય જતાં જરૂરિયાતને ધ્યાને રાખીને દારૂની છૂટ અંગે નિર્ણય લેવાશે. ગુજરાતની પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવાશે. આમ એક રીતે રાજ્ય સરકારે આગામી સમયમાં વધુ સ્થળોએ દારૂબંધી હળવી કરવાના સ્પષ્ટ સંકેતો આપ્યા છે.
સાપુતારા, ધોરડો, સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના પ્રવાસન સ્થળોએ દારૂની છૂટ આપવા અંગે સરકારમાં વિચાર વિમર્શ થઈ રહ્યો છે, જાણકારો કહે છે કે, જો સરકારમાં આ પ્રકારનો નિર્ણય લેવાશે તો પાડોશી રાજ્યોમાં ગુજરાતી પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થઈ શકે તેમ છે. એક વર્ગ એવો પણ છે જે વીકેન્ડ ઉપર ગુજરાતથી નજીક આવેલા રાજસ્થાનના માઉન્ટ આબુ, મુંબઈ અને મધ્ય પ્રદેશના કેટલાક પર્યટન સ્થળોએ દારૂની મહેફિલ માટે ખાસ જતાં હોય છે. જો ગુજરાતના પર્યટન સ્થળોએ છૂટછાટ મળે તો ગુજરાતી પ્રવાસીઓને રાજ્ય બહાર જવું નહીં પડે.
ગુજરાત સરકારના મંત્રીએ જે સંકેતો આપ્યા છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે, ઉદ્યોગો અને મહત્ત્વના પર્યટન સ્થળોએ દારૂબંધી હળવી થઈ શકે છે. આ સંદર્ભે આગામી સમયમાં વિધિવત્ જાહેરાત થશે. મહત્ત્વનું છે કે, નશાબંધી અને આબકારી વિભાગે ગિફ્ટ સિટીમાં દારૂ પીવા અંગે તાજેતરમાં જ ગાઈડલાઈન બહાર પાડી હતી, જેમાં અધિકૃત કર્મચારીઓ ઉપરાંત મુલાકાતીઓને દારૂ પીવાની મંજૂરી આપી છે. બહારથી આવનારા મુલાકાતીને ખાસ અધિકારી પાસે મંજૂરી લેવાની રહેશે.
સિંગલ મોલ્ટ, વાઈન, સફેદ રમ મોટા ભાગના લોકોની પસંદગી
જાણકારો કહે છે કે, ગુજરાતમાં વિદેશી દારૂની માગમાં ઝડપી ઉછાળો દેખાઈ રહ્યો છે, એક વર્ષના અરસામાં સિંગલ મોલ્ટ અને વાઈન સહિતની આયાતી દારૂની ડિમાન્ડમાં 35થી 40 ટકાનો ઉછાળો નોંધાયો છે. વોડકા અને સફેદ રમ પણ મોટા ભાગના લોકોની પસંદગી રહી છે. ગુજરાતમાં જી-20ની ઈવેન્ટ, વર્લ્ડ કપની મેચો ઉપરાંત અન્ય મહત્ત્વના કાર્યક્રમો આ વર્ષે યોજાયા છે, જેને લઈ વિઝિટર પરમિટ ધારકોની સંખ્યા ખાસ્સી એવી વધી છે.
વિદેશી દારૂના વેચાણથી એક વર્ષમાં સરકારને 78 કરોડથી વધુની આવક
ગુજરાત સરકારે વિદેશી દારૂના વેચાણ માટે પરવાના આપ્યા છે, વર્ષ 2022-23ના અરસામાં વિદેશી દારૂના વેચાણથી સરકારને 78.14 કરોડ જેટલી આવક થઈ છે. એ પહેલાં વર્ષ 2021-22માં 69.80 કરોડની આવક થઈ હતી. એકંદરે વિદેશી દારૂના વેચાણથી રાજ્ય સરકારની આવકમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.
તબિયતના નામે દારૂ પીનારા અમદાવાદ, સુરતમાં વધુ
ગુજરાતમાં અત્યારે અંદાજે લિકર હેલ્થ પરમિટ ધારકોની સંખ્યા 43 હજાર આસપાસ છે. એમાંય અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિતના શહેરોમાં તબિયતના નામે દારૂ પીનારાની સંખ્યા વધારે છે. અનિદ્રા સહિતના વિવિધ કારણસર દારૂની હેલ્થ પરમિટ અપાતી હોય છે.
ગુજરાતમાં 69 સ્ટોરેજના જ્યારે 76 વેચાણના પરવાનેદારો
ગુજરાતમાં માર્ચ 2023ની સ્થિતિએ વિદેશી દારૂ અને બિયરના વેચાણ પરવાનેદારોની સંખ્યા 76 જેટલી છે જ્યારે સંગ્રહના 69 પરવાનેદારો છે. સૌથી વધુ અમદાવાદ શહેરમાં 19 સંગ્રહ અને 19 વેચાણ પરવાનેદારો છે. વેચાણ પરવાનેદારોમાં અમદાવાદ જિલ્લામાં 2, ગાંધીનગર શહેરમાં 2, ગાંધીનગર જિલ્લામાં 2, સુરત શહેરમાં 5, સુરત જિલ્લામાં 1, ભરૂચમાં 4, વડોદરા શહેર અને રાજકોટ શહેરમાં 7-7, રાજકોટ જિલ્લામાં 2, આણંદ શહેરમાં 3, આણંદ જિલ્લામાં 1, ભાવનગર શહેરમાં 2, ભાવનગર જિલ્લામાં 1, કચ્છ-ભૂજમાં 7 પરવાનેદારો છે.


