- લીકર પોલીસી સ્કેમ અંગે કેજરીવાલને ઇડીનું સમન્સ
- કેજરીવાલે ત્રીજી વાર ઇડી સમક્ષ હાજર ન થયા
- ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તાએ કર્યા આકરા પ્રહાર
દિલ્હી દારૂ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે એટલે કે બુધવારે ED સમક્ષ હાજર નહીં થાય. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે EDને જવાબ મોકલ્યો છે કે તેઓ આજે પણ ED ઓફિસ નહીં જાય અને પૂછપરછમાં ભાગ લેશે નહીં. આમ આદમી પાર્ટીએ આ જાણકારી આપી છે. તમને જણાવી દઈએ કે ઈડીએ અરવિંદ કેજરીવાલને દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં પૂછપરછ માટે આજે એટલે કે 3 જાન્યુઆરીએ ત્રીજી વખત સમન્સ જારી કર્યું હતું.
વિક્ટિમ કાર્ડ પ્લે કરે છે કેજરીવાલ
ઇડીના સમન્સને ટાળવા અંગે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલા દ્વારા આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. તેઓએ જણાવ્યું કે અરવિંદ કેજરીવાલ પાસે છૂપાવવા માટે કંઇક છે એટલે જ તેઓ ગુનેગારની જેમ ફરાર છે. કોર્ટે મનીષ સિસોદિયા અને સંજય સિંહને જામીન આપ્યા નથી . અદાલતમાં સાબિત થયુ કે મની ટ્રેઇલ થઇ છે. આટલુ બધુ થવા છતાં પણ કેજરીવાલ વિક્ટીમ કાર્ડ પ્લે કરી રહ્યા છે.
ઇડીની નોટિસ ગેરકાયદેસર- AAP
મહત્વનું છેકે EDના ત્રીજા સમન્સ પર આમ આદમી પાર્ટીએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ EDની તપાસમાં સહકાર આપવા તૈયાર છે, પરંતુ EDની નોટિસ ગેરકાયદેસર છે. તેમનો ઈરાદો અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવાનો છે. તેઓ અરવિંદ કેજરીવાલને ચૂંટણી પ્રચાર કરતા રોકવા માંગે છે.
અગાઉ બે નોટિસ મોકલાવી હતી
આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને મોકલવામાં આવેલી આ ત્રીજી નોટિસ છે. અગાઉ, તેમને 2 નવેમ્બર અને 21 ડિસેમ્બરે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તેમણે એજન્સી સમક્ષ હાજર થવાનો ઇનકાર કર્યો હતો. દિલ્હી સરકારના ભૂતપૂર્વ એક્સાઇઝ પોલિસી ભ્રષ્ટાચાર કેસમાં 2 નવેમ્બરના રોજ ED દ્વારા અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે પહેલું સમન્સ મોકલવામાં આવ્યું હતું, પરંતુ તેઓ પૂછપરછ પ્રક્રિયામાં ભાગ લેવા આવ્યા ન હતા. તે પછી, 21મી ડિસેમ્બરે ED દ્વારા તેને બીજું સમન્સ આપવામાં આવ્યું હતું, પરંતુ આ સમન પર પણ, તે EDની પૂછપરછ પ્રક્રિયામાં ભાગ લેવા આવ્યો ન હતો અને તેણે EDને પત્ર લખીને જવાબ આપ્યો હતો.


