- એન્ટ્રી માટે સ્ક્રીનિંગ કમિટી બની
- ભાજપ આયારામ ગયારામ નેતાઓથી બચવા માગે છે
- જેઓ ઘણી વાર ચૂંટણી પહેલાં પક્ષપલટો કરી લે છે
ચૂંટણીની સીઝન પહેલાં ઘણી વાર નેતાઓ પાટલી બદલતા હોય છે. હવે લોકસભાની ચૂંટણી 2024 પહેલાં ભાજપે તે માટે એક કમિટી જ બનાવી નાખી છે. આ કમિટી અન્ય પક્ષમાંથી આવનારા નેતાઓનું સ્ક્રીનિંગ કરશે અને ત્યાર બાદ જ તેમને પાર્ટીમાં એન્ટ્રી મળશે. પાર્ટીના એક સૂત્રએ જણાવ્યું કે આ કમિટી એવા નેતાઓના ઇતિહાસ અને કેરિયરનું આકલન કરશે અને જણાવશે કે તેમને એન્ટ્રી આપવી જોઈએ કે નહીં. આ કમિટીની મંજૂરી વિના અન્ય પક્ષમાંથી આવનારા કોઈ પણ નેતાને તક નહીં મળે. કમિટીની પહેલી મીટિંગ છઠ્ઠી જાન્યુઆરીએ થવાની છે.
સમિતિ બનાવવાનું કારણ એવું અપાઈ રહ્યું છે કે પાર્ટી એવા નેતાઓને એન્ટ્રી આપવા માગે છે, જે લાંબા સમય સુધી વફાદાર રહે. તદઉપરાંત, ઉતાવળમાં નેતાઓને સામેલ કરવાથી પણ બચવામાં આવશે અને પહેલાં રાજકીય ઇતિહાસની પૂરતી માહિતી મેળવવામાં આવશે. હકીકતમાં નેતાઓની એન્ટ્રી બાબતે ભાજપ સાવધાની ઇચ્છે છે, કેમ કે તેમના (નેતા) પર અગાઉ લાગેલા ભ્રષ્ટાચાર સહિતના આરોપોનો તેણે (પાર્ટીએ) સામનો કરવો ન પડે. એટલું જ નહીં, તે આયારામ ગયારામની વિચારધારા ધરાવતા નેતાઓથી પણ બચવા માગે છે, જેઓ ઘણી વાર ચૂંટણી પહેલાં પક્ષપલટો કરી લે છે. 2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ સંગઠન દ્વારા હવે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોવાનું એ છે કે તેનો અમલ કેવી રીતે થાય છે.
ભાજપને બંગાળમાં એવી જ સ્થિતિનો સામનો કરવો પડયો હતો. ટીએમસીમાંથી આવેલા મુકુલ રોય અને બાબુલ સુપ્રિયોને પાર્ટીએ ઘણું મહત્ત્વ આપ્યું હતું. પણ તે લોકો વધારે દિવસ ટક્યા નહીં. તે લોકો ચૂંટણી પહેલાં ભાજપમાં જોડાયા હતા અને બાદમાં ટીએમસીમાં પાછા જતા રહ્યા હતા. એટલું જ નહીં ઘણા દાગી નેતાઓની એન્ટ્રી બાબતે પણ પાર્ટીને સવાલોનો સામનો કરવો પડે છે. આ બધાથી બચવા માટે ભાજપે હવે સ્ક્રીનિંગ કમિટી જ બનાવી નાખી છે.


