- સરકારના આશ્વાસન બાદ હડતાળ સમેટાઈ
- કાયદો લાગુ નહી કરાય તેવુ સરકારે આશ્વાસન આપ્યું :ટ્રાન્સપોર્ટ એસો.
- હીટ એન્ડ રનમાં નવો નિયમ હાલ લાગુ નહી પડે:ટ્રાન્સપોર્ટ એસો.
છેલ્લા થોડાં દિવસોથી દેશભરમાં ટ્રક ચાલકોની હડતાળ ચાલી રહી હતી. જેમાં મુખ્યત્વ હિટ એન્ડ રન કેસ માટેના નવા કાયદાને લઈને સરકાર અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે સમાધાન થઈ ગયું છે. ટ્રાન્સપોર્ટ સંગઠને દેશભરના ડ્રાઈવરોને હડતાળ પાછી ખેંચવા કહ્યું છે. સરકાર દ્વારા સંગઠનને ખાતરી આપવામાં આવી છે કે હાલમાં કાયદાનો અમલ કરવામાં આવશે નહીં.
આ સાથે જ સરકારે જ્યારે પણ તેનો અમલ થશે ત્યારે સંગઠન સાથે ચર્ચા કરવામાં આવશે. આ પછી ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે ડ્રાઈવરોને હડતાળ ખતમ કરવાની અપીલ કરી છે. બેઠક બાદ ટ્રાન્સપોર્ટ એસો.ના અધ્યક્ષનું નિવેદન આપતાં જણાવ્યું કે, કાયદો લાગુ નહીં કરાય તેવુ સરકારનું આશ્વાસન આપવામાં આવ્યું છે. તેમજ હીટ એન્ડ રનમાં નવો નિયમ હાલ લાગુ નહીં પડે.
મોટર વ્હીકલ એક્ટમાં શું છે જોગાઈ
મોટર વ્હીકલ એક્ટ હેઠળ હિટ એન્ડ રનના કેસ માટે નવા કાયદાનો વિરોધ થઈ રહ્યો છે. જેમાં ટ્રક ડ્રાઈવરો દ્વારા દેશભરમાં હડતાળ પર છે અને રસ્તાઓ રોકીને કાયદાનો અમલ ન કરવાની માંગ કરી રહ્યા હતા. આ અંગે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા સાથે ગૃહ મંત્રાલયમાં પરિવહન સંગઠનની બેઠક યોજાઈ હતી. અહીં આશ્વાસન મળ્યા બાદ સંગઠન હડતાળ સમેટી લેવા તૈયાર થઈ છે.
સરકારે શું આપી ખાત્રી
ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના અધ્યક્ષ મલકિત સિંહ બાલે કહ્યું કે 106(2) જેમાં 10 વર્ષની સજા અને દંડ છે, તે કાયદાને લાગુ થશે નહીં. તમામ સંસ્થાઓની ચિંતાઓ ભારત સરકાર સુધી પહોંચાડી દીધી છે. નવા કાયદામાં 10 વર્ષની જેલ અને દંડની જોગાવાઈ છે અને તે હજુ અમલમાં આવ્યો નથી. અમે તમામ ડ્રાઇવરોને ખાતરી આપીએ છીએ કે ભવિષ્યમાં આ કાયદો લાગુ કરવામાં આવશે નહીં. અમે હડતાળ પાછી ખેંચવાની અપીલ કરી છે. તમામ ડ્રાઇવરોએ તેમના વાહનો પર પાછા ફરવું જોઈએ.
કેન્દ્ર સરકારે પણ અપીલ કરી
કેન્દ્ર સરકારે હડતાળ કરનારા ટ્રક ડ્રાઈવરોને કામ પર પાછા ફરવાની અપીલ કરી છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ મંગળવારે નવી દિલ્હીમાં ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ સાથે બેઠક યોજી હતી. આ પછી કહેવામાં આવ્યું હતું કે નવો કાયદો હજી લાગુ થયો નથી. ભારતીય ન્યાયિક સંહિતા 106/2 લાગુ કરતા પહેલા AIMTCના પ્રતિનિધિઓ સાથે ચર્ચા થશે, ત્યારબાદ જ નિર્ણય લેવામાં આવશે.
છેલ્લા થોડાં દિવસોથી મુશ્કેલી વધી
આ તરફ હડતાળના કારણે પેટ્રોલ-ડીઝલ, ફળ-શાકભાજી અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પહોંચી રહી નહતી. જેના કારણે આ તમામના ભાવમાં વધારો થયો છે. કોંગ્રેસ અને ભારતીય કિસાન યુનિયને ટ્રક ડ્રાઈવરોની હડતાળને સમર્થન આપ્યું હતું. દેશના એમપી, રાજસ્થાન સહિત 10 રાજ્યમાંથી પેટ્રોલ અને ડીઝલ પંપ ખાલી થઈ ગયા હોવાના અહેવાલ મળ્યા હતા.


