- ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ યથાવત
- ગાઝામાં 70 ટકા મકાનોને ભારે નુકસાન
- શાળાઓ, હોસ્પિટલ, શોપિંગ મોલ્સ અને હોટેલોને નુકસાન
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ગાઝામાં લગભગ અડધી ઈમારતો અને 70 ટકા મકાનો નાશ પામ્યા છે. ઈઝરાયલે વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટમાં જાણકારી આપી છે કે,ગાઝા પટ્ટીની સેટેલાઇટ તસવીરોનું વિશ્લેષણ કરીને અન્ય રિમોટ સેન્સિંગ પદ્ધતિઓના આધારે ડેટા કાઢવામાં આવ્યો છે. હજારો લોકો ઘર વિહોણા થયા છે.
ક્ષતિગ્રસ્ત ઈમારતોમાં ફેક્ટરીઓ, પૂજા સ્થાનો, શાળાઓ, શોપિંગ મોલ્સ અને હોટેલોનો સમાવેશ થાય છે, એમ અહેવાલમાં જણાવાયું છે. આ અંગે ઈઝરાયેલે કહ્યું છે કે ગાઝાના આતંકવાદી સંગઠનોએ ઘણી શાળાઓ, મસ્જિદો અને અન્ય ઈમારતોને પોતાનો ઓપરેશનલ બેઝ બનાવી લીધો હતો અને તેને નષ્ટ કરવાના હુમલાની અસર આ ઈમારતો પર પડી છે.
ગાઝાની માત્ર 36 હોસ્પિટલો કાર્યરત
તે એમ પણ જણાવે છે કે ગાઝામાં માત્ર 36 હોસ્પિટલો છે જ્યાં દર્દીઓ જઈ શકે છે. પાણી, વીજળી અને સંદેશાવ્યવહાર સહિતની મોટાભાગની મૂળભૂત માળખાગત સુવિધાઓનો નાશ થયો છે. શિકાગો યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્ટિસ્ટ રોબર્ટ હોપનું કહેવું છે કે બોમ્બથી બરબાદ થયેલા શહેરોમાં ગાઝાનું નામ લખવામાં આવશે.બીજી તરફ ઈઝરાયેલની સેનાને ટાંકીને જણાવ્યું છે કે, ઈઝરાયેલની વાયુસેના અને નૌકાદળે ગાઝા પટ્ટીમાં અનેક આતંકી કોષો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કર્યો છે. આ મુજબ, છેલ્લા કેટલાક દિવસો દરમિયાન, વાયુસેનાની મદદથી ગાઝામાં ડઝનબંધ આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો છે.
હમાસ વિરુદ્ધ ઈઝરાયેલની કાર્યવાહી
ઇઝરાયલી સૈનિકોએ ઉત્તર ગાઝાના બીટ લાહિયામાં હમાસ દ્વારા ઉપયોગમાં લેવાતી બે ઇમારતોને પણ નષ્ટ કરી દીધી છે. આ સમયગાળા દરમિયાન મોટી માત્રામાં લશ્કરી સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા છે જેમાં બોમ્બ, બંદૂકો અને સંદેશાવ્યવહારના સાધનોનો સમાવેશ થાય છે. તે જ સમયે, પેલેસ્ટિનિયનોનું કહેવું છે કે દક્ષિણ ગાઝામાં સ્થિત ખાન યુનિસ પર પણ ટેન્ક અને હવાઈ બોમ્બમારો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.


