- રશિયા અને યુક્રેન વચ્ચે ડ્રોન યુદ્ધ યથાવત
- યુક્રેનિયન ડ્રોનને રશિયન સૈનિકોએ કર્યું તબાહ
- ડ્રોન હુમલામાં અનેક લોકોના મોત અન્ય ઇજાગ્રસ્ત
મોસ્કોના અધિકારીઓએ દાવો કર્યો હતો કે શનિવારે લગભગ 32 યુક્રેનિયન ડ્રોન રશિયામાં તોડી પાડવામાં આવ્યા હતા. દેશના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રશિયાના મોસ્કો, બ્રાયન્સ્ક, ઓરીઓલ અને કુર્સ્ક પ્રદેશોમાં આકાશમાં ડ્રોન જોવા મળ્યા હતા. હવાઈ સુરક્ષા દળોએ તમામ ડ્રોનને તોડી પાડ્યા છે.
રશિયામાં પણ સીમાપારથી થયેલા ગોળીબારમાં બે લોકોના મોત થયા છે. રશિયાના બેલ્ગોરોડ પ્રદેશમાં એક ખાનગી મકાન પર મિસાઈલ પડતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય ચાર ઘાયલ થયા હતા, સ્થાનિક અધિકારી વ્યાચેસ્લાવ ગ્લાડકોવે લખ્યું છે કે, શુક્રવારે મોડી સાંજે રશિયાના બેલ્ગોરોડ પ્રદેશમાં એક ખાનગી મકાન પર મિસાઇલ હુમલામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય 4 ઘાયલ થયા હતા.
9 વર્ષના બાળકનું મોત
સ્થાનિક ગવર્નર એલેક્ઝાન્ડર બોગોમાઝીએ જણાવ્યું હતું કે રશિયાના બ્રાયન્સ્ક પ્રદેશમાં એક અલગ ઘટનામાં 9 વર્ષના છોકરાનું મૃત્યુ થયું હતું. તમને જણાવી દઈએ કે મે મહિનાથી પશ્ચિમ રશિયાના શહેરો પર ડ્રોન દ્વારા નિયમિત હુમલા થઈ રહ્યા છે, રશિયન અધિકારીઓએ આ માટે કિવને જવાબદાર ગણાવ્યું છે. યુક્રેનિયન અધિકારીઓએ ક્યારેય રશિયન પ્રદેશ અથવા ક્રિમીયન દ્વીપકલ્પ પર હુમલાની જવાબદારી સ્વીકારી નથી. જો કે, રશિયા સામે મોટા હવાઈ હુમલાઓ અગાઉ યુક્રેનિયન શહેરો પર ભારે હુમલાઓ બાદ કરવામાં આવ્યા છે. યુક્રેન વિરુદ્ધ રશિયન ડ્રોન હુમલા શનિવારે પણ ચાલુ રહ્યા હતા. યુક્રેનિયન સશસ્ત્ર દળોના જનરલ સ્ટાફે અહેવાલ આપ્યો છે કે ખેરસન, ખ્મેલનિત્સ્કી અને માયકોલાઈવ પ્રદેશોમાં ઈરાની બનાવટના 10 શાહિદ ડ્રોનને તોડી પાડવામાં આવ્યા છે.
યુક્રેનમાં 122 મિસાઇલો છોડવામાં આવી
શુક્રવારે, મોસ્કોની સૈન્યએ સમગ્ર યુક્રેનમાં 122 મિસાઇલો અને ડઝનેક ડ્રોન લોન્ચ કર્યા હતા જેને વાયુસેનાના અધિકારીએ યુદ્ધના સૌથી મોટા હવાઈ હુમલા તરીકે વર્ણવ્યા હતા. આ હુમલામાં 39 લોકોના મોત તેમજ ઓછામાં ઓછા 160 લોકો ઘાયલ થયા હતા અને અજ્ઞાત સંખ્યામાં લોકો કાટમાળ નીચે દટાયા હતા.


