- કારનામું સંતાડી રાખવા વેપારીઓને જ્વેલર્સની દુકાનના ખોટા બિલો બનાવ્યા
- વેપારીઓને સોનું વેચી મારી રોકડી કરી લીધા બાદ અચાનક જ નોકરી છોડી દેતા આખો ભાંડો ફૂટયો
- નવરંગપુરા પોલીસે કર્મચારી સામે છેતરપિંડી સહિતની કલમ હેઠળ ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી
નવરંગપુરામાં જ્વેલર્સના શોરૂમમાં કામ કરતા કર્મચારીએ સોનું બારોબાર વેપારીઓને વેચી મારીને કુલ રૂ. 58.74 લાખની ઠગાઇ આચરી છે. જેમાં વેપારીઓને જ્વેલર્સની દુકાનના ખોટા બીલો પણ બનાવી આપ્યા હતા. આ અંગે નવરંગપુરા પોલીસે કર્મચારી સામે છેતરપિંડી સહિતની કલમ હેઠળ ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.
સુભાષબ્રિજ પાસે રહેતા અશ્વીનભાઇ પાટડીયા સીજી રોડ પર આવેલ સ્પાર્કલ ફાઇન જ્વેલરી સ્ટુડિયો શો-રૂમમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ત્યારે તેમની સાથે કામ કરતા દિપકભાઇ પંચાલ બિઝનેસ ડેવલોપમેન્ટ મેનેજર તરીકે કામ કરતા હતા. તેઓ ગ્રાહકોને દાગીના બતાવવાનું અને વેપારીઓને સોનાના દાગીના બતાવવા જવાનું કામ કરતા હતા. જે બાદ દિપકે ગત 1 જાન્યુઆરી 2023 થી 7 ઓગસ્ટ 2023 સુધી જુદા-જુદા એમ કુલ રૂ. 58.74 લાખના સોનાના દાગીના વેપારીઓને બતાવવા લઇ ગયો હતો. જે બાદ દિપકે ગત 7 ઓગસ્ટથી નોકરી પર આવાનું બંધ કરી દીધુ હતુ અને ફેન પણ બંધ કરી દીધો હતો. જેથી તેની પર શંકા જતા દિપકની કેબિનમાં તપાસ કરતા તેના ડ્રોવરમાંથી દુકાનના ખોટા બીલો મળી આવ્યા હતા. જે બિલના આધારે તપાસ કરતા દિપકે ખોટા બીલો બનાવી આપીને સોનુ વેચીને વેપારીઓ પાસેથી રૂપિયા લઇને પોતાના અંગત વપરાશમાં વાપરીને કુલ રૂ. 58.74 લાખની ઠગાઇ આચરી હોવાનું સામે આવ્યુ હતુ. આ અંગે અશ્વીનભાઇએ કર્મચારી દિપક પંચાલ સામે નવરંગપુરા પોલીસસ્ટેશનમાં છેતરપિંડી સહિતની કલમ હેઠળ ફરીયાદ નોધાવી છે.


