- દેશની દીકરીએ વિદેશમાં લહેરાવ્યો રામધ્વજ
- થાઇલેન્ડમાં 13 હજાર ફૂટની ઊંચાઇએથી લગાવી છલાંગ
- રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇને વ્યક્ત કર્યો ઉત્સાહ
અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઇને લોકોનો અનેરી ખુશી જોવા મળી રહી છે. રામમંદિર બનાવાની એટલી ખુશી છે કે વિદેશમાં પણ રામધ્વજ લહેરાવીને ઉત્સાહ દર્શાવી રહ્યા છે.જી, હા યુપીની સંગમનગરની 22 વર્ષની અનામિકા શર્માએ વિદેશની ધરતી પર રામધ્વજ લહેરાવ્યો.
થાઇલેન્ડમાં લહેરાવ્યો રામધ્વજ
અનામિકાએ થાઈલેન્ડમાં 13 હજાર ફૂટની ઊંચાઈએથી રામ મંદિરના ધ્વજ સાથે સ્કાઈડાઈવ કરીને દુનિયા સમક્ષ પોતાનો વિશ્વાસ અને ખુશી વ્યક્ત કરી છે. અનામિકાની આ સફળતાની શહેરમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. આ અંગે તેણે વાત કરતા જણાવ્યું કે તે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઇને ખૂબ જ ઉત્સાહિત છે. ભગવાન રામના ભવ્ય રામ મંદિરને આદર આપવા માટે જ ધ્વજ સાથે 13 હજાર ફૂટની ઊંચાઇએથી આસ્થાની છલાંગ લગાવી હતી.
13 હજાર ફૂટની ઊંચાઇએથી લગાવી છલાંગ
મહત્વનું છે કે યુનાઈટેડ સ્ટેટ્સ પેરાશૂટ એસોસિએશનનું સી કેટેગરીના સ્કાય ડાઈવિંગ લાયસન્સ મેળવનાર અનામિકાએ પખવાડિયા પહેલા રોડીયો સ્કાય ડાઈવ જમ્પ કરીને ઈતિહાસ રચ્યો હતો. તેણે થાઈલેન્ડના રાયાંગ શહેરમાં જય શ્રી રામના નારા સાથે આકાશમાંથી 13000 ફૂટની ઊંચાઈએથી છલાંગ લગાવી હતી. આ દરમિયાન તેમના હાથમાં રામ મંદિરનો ધ્વજ પણ હતો. ધ્વજ પર જય શ્રી રામ લખેલું હતું. અનામિકાએ કહ્યું કે ધ્વજ લઇને કૂદવુ સરળ ન હતું. મે ધ્વજ હાથમાં જ પકડ્યો હતો. એટલુ પ્રેશર હતુ કે આંગળી પણ તમારી તૂટી શકે છે પરંતુ રામની કૃપાથી બધુ જ સફળ રહ્યું.
પિતા પાસેથી જ શીખ્યુ સ્કાય ડાઇવિંગ
અનામિકાએ તેનું પ્રથમ સ્કાય ડાઇવિંગ ત્યારે કર્યું જ્યારે તે માત્ર દસ વર્ષની હતી. અત્યાર સુધીમાં તે 300 સ્કાય ડાઈવ્સ પાર કરી ચૂકી છે. અનામિકાએ તેના પિતા અજય શર્મા પાસેથી સ્કાય ડાઇવિંગનું કૌશલ્ય શીખ્યું છે. તે ભારતીય વાયુસેનામાંથી નિવૃત્ત જુનિયર વોરંટ ઓફિસર, પ્રશિક્ષિત કમાન્ડો અને પ્રોફેશનલ સ્કાય ડાઇવર છે. અજયે અત્યાર સુધીમાં 650 વખત સ્કાય ડાઈવિંગ કર્યું છે.


