- સમિટના પરિપ્રેક્ષ્યમાં પાટનગર આવવાનો કાર્યક્રમ બદલાયો
- 9મીએ 3 વાગે ટ્રેડ-શોનું ઉદ્ઘાટન, સાંજે UAE પ્રમુખ સાથે રોડ શો કરશે
- પરંપરાગત રીતે રાજભવનમાં ઉતારો કરી 48 કલાક માદરે વતન ગુજરાતમાં ગાળશે
દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પરિપ્રેક્ષ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પાટનગર ગાંધીનગર આવવાના કાર્યક્રમમાં થોડો બદલાવ થયો છે. તેઓ હવે 8મી જાન્યુઆરીની રાત્રે 10 વાગે અમદાવાદ આવી રહ્યા છે અને 10મીની રાત્રે જ દિલ્હી પરત ચાલ્યા જવાના છે. આમ તેઓ પરંપરાગત રીતે રાજભવનમાં ઉતારો કરી 48 કલાક માદરે વતન ગુજરાતમાં ગાળશે.
સમિટના આગલા દિવસે 9મીના મંગળવારે બપોરે ત્રણ વાગે તેઓ વાઇબ્રન્ટ સમિટની સમાંતર ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડના પેવેલિયન્સ ખાતે 13મી સુધી પાંચ દિવસ માટે યોજાઈ રહેલા ગ્લોબલ ટ્રેડ-શોનું ઉદ્ઘાટન કરશે અને સાંજે તેઓ આશરે સાડા પાંચ વાગે અમદાવાદ ઍરપોર્ટ ખાતે આવનારા યુએઇના રાષ્ટ્રપ્રમુખ શેખ મહોમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનનું સ્વાગત કરવા જશે અને આ મહાનુભાવ સાથે મોદી ગાંધીનગર સુધી રોડ-શો યોજે તેવી શક્યતા છે, જો કે સાબરમતી આશ્રામમાં મહાત્મા ગાંધીજીને શ્રાદ્ધાસુમન આપવા જશે કે કેમ તે હજી નક્કી નહીં હોવાનું જણાવાઈ રહ્યું છે. મંગળવારે સવારના ફાજલ સમય દરમિયાન મુખ્યમંત્રી અને વરિષ્ઠ અધિકારીઓ સાથે મોદી, બ્રીફિંગ મિટિંગ યોજે તેવી સંભાવના નક્કી થઈ રહી છે.
બુધવારે સવારે 9:45 વાગે વડાપ્રધાન મોદી યુએઇ, મોઝામ્બિક અને તિમોરના રાષ્ટ્રપ્રમુખો અને ચેક રિપબ્લિકના વડાપ્રધાનની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે દસમી સમિટનું ઉદ્ઘાટન કરશે, સાંજે પાંચ વાગે ગિફ્ટસિટી ખાતે ટોચની વૈશ્વિક કંપનીઓના લીડર્સ સાથે ખાસ ચર્ચાસત્ર યોજાનારું છે અને ત્યાં ગાલા ડિનરમાં પણ શરીક થયા બાદ મોડેથી મોદી દિલ્હી જવા રવાના થશે, તેમ જણાવાઈ રહ્યું છે.


