- ઇસ્લામાબાદમાં સુન્ની ઉલેમા કાઉન્સિલના અપ મહાસચિવની હત્યા
- અજ્ઞાત શખ્સોએ મૌલાના મસૂદ ઉર રહમાન ઉસ્માનીની હત્યા કરી
- હથિયારધારી શખ્સોએ ઉસ્માનીની કાર રોકી અંધાધૂન ફાયરિંગ કર્યું
પાકિસ્તાનમાં અજ્ઞાત શખ્સોનો ખોફ હજુ પણ ચાલી રહ્યો છે. અજ્ઞાત હુમળવારો સતત એક-એક કરીને આતંકીઓને ઠાર મારી રહ્યા છે. આ જ ક્રમમા શુક્રવારે વધુ એક આતંકી ઠાર મરાયો છે. શુક્રવારે સાંજે સુન્ની ઉલેમા કાઉન્સિલ (SUC)ના નેતા મૌલાના મસૂદ ઉર રહમાન ઉસ્માનીની ઇસ્લામાબાદમાં અજ્ઞાત હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી.
મીડિયા રિપોર્ટ મુજબ, પોલીસે આ ઘટનાને લઈને માહિતી આપતા જણાવ્યું હતું કે શુક્રવારે સાંજે અજ્ઞાત હથિયારધારી શખ્સોએ સુન્ની ઉલેમા કાઉન્સિલના ઉપ મહાસચિવ મસૂદ ઉસ્માનીની ગાડી પર ફાયરિંગ કર્યું હતું. જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલ ઉસ્માનીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
ડ્રાયવર પણ ગંભીર રીતે ઘાયલ
ઘટના તુરંત બાદ પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને વિસ્તારની ઘેરાબંધી કરી લીધી હતી. પોલીસ કહ્યું છે કે શંકમંદોને પકડી પાડવા માટે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર ઈસ્લામાબાદના ગૌરી ટાઉનમાં બે અજાણ્યા બંદૂકધારીઓએ ઉસ્માની પર હુમલો કર્યો હતો. અહેવાલો મુજબ, બંદૂકધારીઓએ ઉસ્માનીની કાર રોકી તેના પર ગોળીબાર કર્યો અને પલાયન થઈ ગયા હતા. આ હુમલામાં ઉસ્માનીના ડ્રાઈવરને પણ ગોળીઓ વાગી હતી અને તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પોલીસે આશ્વાસન આપ્યું હતું કે જવાબદારોને ટૂંક સમયમાં પકડી પાડવામાં આવશે.


