- બાંગ્લાદેશમાં રવિવારે ચૂંટણી યોજાવાની છે
- ટ્રેનમાં આગ લાગી તેમાં કેટલાક ભારતીય પ્રવાસીઓ પણ હોવાનું સામે આવ્યું
- બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાનું વિપક્ષે રાજીનામું માગ્યું
બાંગ્લાદેશની રાજધાની ઢાકાના ગોપીબાગ વિસ્તારમાં એક ટ્રેનમાં અસામાજિક તત્ત્વોએ આગચંપી કરી હતી. આ ઘટનામાં ચાર લોકોનાં મોત થયા હતા. જ્યારે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બાંગ્લાદેશમાં ચૂંટણીના પહેલા બે દિવસ અગાઉ થતા કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા સમગ્ર બાંગ્લાદેશમાં સૈન્ય તૈનાત કરી દેવામાં આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે અસામાજિક તત્ત્વોએ રાત્રે નવ વાગ્યે બેનાપોલ એક્સપ્રેસ ટેનમાં આગ લગાડી દીધી હતી. આ ઘટના અંગે ફાયર સર્વિસ એન્ડ સિવિલ ડિફૅન્સ કંટ્રોલ રૂમમાં ઓફિસરે ઘટના બની હોવાની પુષ્ટિ કરી હતી. ટ્રેનમાં આગને પગલે સાત ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે રવાના કરી દીધા હતા. ઢાકામાં આવેલા ગોપીબાગ વિસ્તારમાં રાત્રે નવ વાગ્યે ટ્રેનમાં આગ લાગ્યા બાદ ફાયર વિભાગે 10.30 સુધી આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગ ટ્રેનના ચાર ડબ્બામાં ફેલાઈ ગઈ હતી. જેથી તાત્કાલિક પ્રવાસીઓને બહાર કાઢવા રૅસ્કયૂ હાથ ધરવામાં આવ્યું હતું. ટ્રેનમાં સવાર કેટલાક ભારતીય યાત્રિકો પણ હોવાનું સામે આવ્યું છે. આ ટ્રેન ઢાકાથી બેનાપોલ બંદરે જઈ રહી હતી. ટ્રેનમાં આગ લાગવાની ઘટનાના બાંગ્લાદેશમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે, રવિવારે બાંગ્લાદેશમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે વિપક્ષ બીએનપી અને એના સહયોગી પક્ષોએ વડાપ્રધાન શેખ હસીનાનું રાજીનામું અને સ્વતંત્ર નિષ્પક્ષ ચૂંટણી યોજવાની સરકારને માંગ કરી હતી.


