- શીતલહેર પશ્ચિમ રશિયા પહોંચી
- ખૂબ જ ઠંડી અને બર્ફીલા તોફાનના કારણે સ્કેન્ડેનેવિયન સ્કૂલોમાં રજા જાહેર કરી
- પાણીની પાઇપલાઇન જામ થઈ જતાં ટામ્પરે શહેરના લોકોએ પાણી વિના રહેવું પડયું હતું
યુરોપિયન દેશોમાં સ્વીડનના ક્વિક્કઝોક-અરેનજારકા ખાતે તાપમાનનો પારો શૂન્યની નીચે 43.6 ડિગ્રીએ પહોંચી ગયો હતો. આ તાપમાન છેલ્લાં પચીસ વર્ષોનાં સ્વીડનમાં નોધાયેલું સૌથી નીચું તાપમાન છે. ખૂબ જ ઠંડી અને બર્ફીલા તોફાનના કારણે સ્કેન્ડેનેવિયન સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. પશ્ચિમ યુરોપમાં સુસવાટા મારતા પવન અને ભારે વરસાદના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. બુધવારે સતત ત્રીજા દિવસે નોર્ડિક ક્ષેત્રમાં તાપમાનનો પારો શૂન્યથી 40 ડિગ્રી નીચે રહ્યો હતો. સમગ્ર નોર્ડિક ક્ષેત્રમાં વાહનવ્યવહાર અટકી જવાના લીધે ઘણા પુલ અને કેટલીક ટ્રેન, નૌકા સેવાઓ પરિસ્થિતિમાં ફેરફાર ન થાય ત્યાં સુધી બંધ કરી દેવામાં આવી છે. ડેન્માર્કમાં પોલીસે મોટરચાલકોને સલાહ આપી છે કે બિનજરૂરી મુસાફરી કરવાનું ટાળે. સાઇબિરિયા, આર્કિટિક ક્ષેત્રની શીતલહેર પશ્ચિમ રશિયામાં પણ પહોંચી ગઈ છે, જેનાથી તાપમાનનો પારો શૂન્યથી નીચે 30 ડિગ્રીએ પહોંચી ગયો છે. પશ્ચિમી યુરોપના કેટલાક ભાગોમાં તોફાને કેર વર્તાવ્યો છે. બ્રિટન, આયર્લેન્ડ, નેધરલેન્ડ્સ હેન્ક નામના તોફાનનો સામનો કરી રહ્યા છે. સ્વીડનમાં બુધવારે રાત્રે 25 વર્ષની સૌથી કાતિલ ઠંડી નોંધાઈ હતી. ઉત્તર લેપલેન્ડ ક્ષેત્રમાં તાપમાનનો પારો માઇનસ 38.7 ડિગ્રીએ પહોંચી જતાં પાણીના પાઇપો જામ થઈ ગયા હતા, જેનાથી પાણીની સમસ્યા ઊભી થઈ હતી. આ કારણે ટામ્પરે શહેરના લોકોએ પાણી વિના રહેવું પડયું હતું. સ્થાનિક હવામાન વિભાગ અનુસાર, આગામી થોડા દિવસ આવી સ્થિતિ રહેવાની સંભાવના છે.


