- રાષ્ટ્રપતિ ડેનિયલ નોબોઆએ દેશમાં આંતરિક સશસ્ત્ર સંઘર્ષની જાહેરાત કરી
- રાત્રી કરફ્યૂ લદાયો
- ઇક્વાડોરમાં આંતરિક સ્થિતિ ડહોળાઈ ગઈ છે
ઇક્વાડોરમાં આંતરિક સ્થિતિ ડહોળાઈ ગઈ છે. નકાબ પહેરેલા કેટલાક લોકો ટેલિવિઝન ચેનલના સેટમાં ઘૂસી ગયા હતા. તેમણે લાઇવ પ્રસારણ દરમિયાન બંદૂકો અને વિસ્ફોટકો બતાવીને લોકોને ડરાવવાની કોશિશ કરી હતી. આ બનાવ બાદ રાષ્ટ્રપતિ ડેનિયલ નોબોઆએ તરત જ હુમલાખોરો સામે સૈન્ય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. સાથે જ તેમણે જાહેરાત કરી કે, દેશમાં આંતરિક સશસ્ત્ર સંઘર્ષ શરૂ થયો છે.
બંદૂકો અને ડાયનામાઇટની સ્ટિક સાથેના લોકો બંદરના શહેર ગુઆયાકિલમાં ટીસી ટેલિવિઝનના સ્ટુડિયોમાં ઘૂસી ગયા હતા અને બૂમો પાડવા લાગ્યા હતા કે તેમની પાસે બોમ્બ છે. સાથે જ ગોળીઓના અવાજો સંભળાતા હતા. ગોળીઓના અવાજની વચ્ચે એક મહિલાનો અવાજ સંભળાતો હતો કે, ગોળી ના મારો, પ્લીઝ ગોળી ના મારો. ઘૂસી આવેલા સશસ્ત્ર લોકોએ સ્ટુડિયોમાંના લોકોને જમીન પર સૂવા મજબૂર કરી દીધા હતા. સ્ટુડિયોની લાઇટ બંધ થયા બાદ પણ બૂમો ચીસો સંભળાતી રહી હતી. ટીસીના એક કર્મચારીએ એક વોટ્સએપ મેસેજમાં જણાવ્યું કે ચહેરો ઢાંકેલા લોકો ઓન એર છે. તે અમને મારવા માટે આવ્યા છે. પ્લીઝ ભગવાન એવું ન થવા દે.
ઉલ્લેખની છે કે ઇક્વાડોરમાં રવિવારે ગેંગનો એક શક્તિશાળી સભ્ય જેલમાંથી ફરાર થયાની ઘટનાને ધ્યાનમાં રાખીને ઘણા હુમલા કરવામાં આવ્યા હતા. જૂથે યુદ્ધની જાહેરાત કરી છે. તેના થોડા કલાકો બાદ રાષ્ટ્રપતિએ દેશમાં આંતરિક સંઘર્ષની સ્થિતિની જાહેરાત કરી છે. સ્થિતિ બગડતાં રાષ્ટ્રપતિએ નિર્ણય કર્યો હતો કે તેઓ દેશમાં કટોકટીની સ્થિતિની જાહેરાત કરશે. સોમવારે નોબોઆએ 60 દિવસ માટે રાષ્ટ્રીય કટોકટીનો આદેશ કર્યો હતો.ત્યાર બાદ સરકારે રાતના 11થી સવારના પાંચ સુધી કરફ્યૂ લાગુ કરી દીધો છે.
કોકેનના ટોચના નિકાસકાર કોલંબિયા અને પેરુ વચ્ચે લાંબા સમયથી એક શાંતિપૂર્ણ આશ્રાયસ્થાન ઇક્વાડોરમાં તાજેતરનાં વર્ષોમાં ઘણી હિંસા જોવા મળી છે, કેમ કે, મેક્સિકન અને કોલંબિયન કોર્ટેલ સાથે સંબંધ રાખનારાં દુશ્મન જૂથ નિયંત્રણ મેળવવા માટેની લડાઈ કરી રહ્યાં છે. બંદૂકધારીઓએ ટીવી ચેનલ પર હુમલો કર્યાના તરત બાદ નોબોઆએ દેશમાં સક્રિય 20 ડ્રગ દાણચોર ગેંગને આતંકવાદી જૂથ જાહેર કરી છે.
હુમલાખોરોની ધરપકડ થઈ
નોબોઆએ સોશિયલ મીડિયા પર લખ્યું, મેં સશસ્ત્ર દળોને આ જૂથોને નિષ્ક્રિય કરવા માટે સૈન્ય અભિયાન ચલાવવાનો આદેશ આપ્યો છે. ત્યાર બાદ, ઇક્વાડોરના રાષ્ટ્રીય પોલીસ વડાએ જણાવ્યું કે અધિકારીઓએ બધા જ નકાબધારી ઘૂસણખોરોની ધરપકડ કરી લીધી છે. તે લોકો પાસેની બંદૂકો અને વિસ્ફોટકો જપ્ત કરી લેવાયાં છે. જોકે, કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે તે કહેવાનું તેમણે ટાળ્યું હતું.


