- રામ મંદિર મુદ્દે રાજનીતિ ન કરવી જોઈએ: રિવાબા
- સંસ્કાર અને ધર્મની વાત તમારા મોઢે ન શોભે: નયનાબા
- ભક્તિ, સંસ્કાર તમારા પાસેથી શીખવાની જરૂર નથી: નયનાબા
જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજાએ જન સેવા કેન્દ્રની શરૂઆત કરી હતી. જેમાં એમને પત્રકારો દ્વારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોંગ્રેસના આમંત્રણ અસ્વીકાર કરવા બદલ પૂછાયેલા પ્રશ્નમાં તેમને જણાવ્યું હતું કે રામના નામ પર રજનીતી ન કરવી જોઈએ. 500 વર્ષ બાદ જ્યારે પુરુષોત્તમ ભગવાન શ્રીરામ અયોધ્યામાં બિરાજમાન થવા જઈ રહ્યા હોય ત્યારે આપણે રાજનીતિ ન કરવી જોઈએ તેવું નિવેદન આપ્યું હતું.
ફરી એક વખત સોશિયલ મીડિયામાં ટોક ઓફ ધ ટાઉન મુદ્દો
બીજી તરફ આ નિવેદનથી તેમના નંણદ નયનાબા જાડેજા કે જેઓ કોંગ્રેસ પક્ષમાં હોવાથી તેમને વળતો રોકડો જવાબ નામ લીધા વગર માર્મિક કટાક્ષ કરીને ચોપડાવી દીધો હતો. તેમણે કહ્યું કે ભક્તિ અને સંસ્કાર અમારે તમારા પાસેથી શીખવાની જરૂર નથી. તમે છોટાકાશિમાં રહો છો તો પણ તમારામાં સંસ્કાર નથી. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મંદિરનું સંપૂર્ણ નિર્માણ થઈ ગયા બાદ જ થઈ શકે છે. નવી પાર્લામેન્ટનું ઉદાહરણ ટાંકતા તેમને સવાલ કર્યો કે શું પાર્લામેન્ટ પુરે પુરી તૈયાર નહોતી થઈ તો પણ શું તમે તેને શરૂ કરી દીધી હતી..? નણંદ ભોજાઈની આ તીખી નોકજોક ફરી એક વખત સોશિયલ મીડિયામાં ટોક ઓફ ધ ટાઉન મુદ્દો બન્યો છે.
આ પ્રકારની નોકજોક ભૂતકાળમાં પણ અનેક વખત થઈ ચૂકી છે
જો કે આ પ્રકારની નોકજોક ભૂતકાળમાં પણ અનેક વખત થઈ ચૂકી છે. રિવાબા ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની છે તો નયનાબા રવિન્દ્રના મોટા બહેન છે. અનેક વખત થયેલી આ પારિવારિક લડાઈઓ જાહેરમાં આવી હોય તેવા અનેક બનાવો સામે આવ્યા છે.


