- વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના કંટ્રોલ રૂમની કેન્દ્રીય રેલમંત્રીએ મુલાકાત લીધી
- માર્ચ સુધીમાં DFCની 95% કામગીરી પૂર્ણ થશે
- GSM-R ની મદદથી ડાયરેક્ટ લોકોપાઇલોટથી સંપર્ક
દિલ્હી પાસેના દાદરીથી મુંબઈના જેએનપીટી સુધીના કોરિડોર પર એક દિવસમાં કુલ 240 જેટલી ગુડ્સ ટ્રેનોનું સંચાલન કરાશે. જે દોઢ કિમી લાંબી ડબલ સ્ટેક કન્ટેનર સાથે દોડાવાશે. માર્ચ સુધીમાં વેસ્ટર્ન DFCનું 95% કામ પૂર્ણ થશે. GSM-ઇની મદદથી ડાયરેક્ટ કંટ્રોલ રૂમથી લોકોપાઇલોટ સાથે સંપર્ક થઇ રહ્યો છે. રેલવેના ટ્રેક પર દોડતી ગુડ્સ ટ્રેનોની ગતિ ઓછી હોવાથી વિવિધ જગ્યાઓ પર પહોંચવામાં લાંબો સમય લાગતો હોય છે પરંતુ આ ફ્રેટ કોરિડોરની મદદથી ગુડ્સ ટ્રેનોમાં ચાર ગણી વધુ લોડ લઇ જવાની સાથે સરેરાશ ગતિ પણ 80થી 100 કિ.મીની ઝડપે દોડશે. જેને પગલે દિલ્હી અને મુંબઈ વચ્ચે ઓછા સમયમાં ગુડ્સ ટ્રેન આ કોરિડોર પર દોડી શકશે. અટેલીથી પાલનપુર સુધીના રૂટ પર ગુડ્સ ટ્રેનોનુ સંચાલન શરૂ થયુ છે. હાલના દિવસોમાં 100 જેટલી ટ્રેનો દોડી રહી છે. અને 16 કલાકની જગ્યામાં માત્ર 7 કલાકમાં પહોંચી રહી છે. સાથે હાલ દાદરીથી સાણંદ સુધી ડબલ સ્ટેક કન્ટેનર ટ્રેનોનું સંચાલન શરૂ કરી દેવાયું છે.
સારા પ્રતિસાદને પગલે અમદાવાદ-એકતાનગર હેરિટેજ ટ્રેન બે દિવસ દોડાવવાનો નિર્ણય
રેલમંત્રીએ અમદાવાદ-એકતાનગર સુધીની હેરિટેજ ટ્રેન અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, એક દિવસ દોડતી આ ટ્રેનને સારો પ્રતિસાદ મળતો હોવાથી આ ટ્રેન હવે સપ્તાહમાં બે દિવસ દોડાવાનો નિર્ણય કર્યો છે. આ સાથે અન્ય રૂટો ઉપર પણ હેરિટેજ ટ્રેન દોડાવાનો નિર્ણય કર્યો છે જે અંગેની જાહેરાત ટૂંક સમયમાં કરાશે.


