- ઝેલેન્સકીને મળીને માનવતાવાદી સહાય અને સુરક્ષા ગેરંટી આપી
- સંરક્ષણ કરારની સાથે 2.5 મિલિયન પાઉન્ડની રાહતની જાહેરાત
- બ્રિટન સતત યુક્રેનને મદદ કરતું રહેશે: બ્રિટિશ પ્રધાનમંત્રી સુનક
બ્રિટન અને યુક્રેન વચ્ચે અનેક દશકોના રાજદ્વારી સંબંધો છે. રશિયાની સાથે યુદ્ધને લગભગ દોઢ વર્ષથી વધુનો સમય વીતી ચૂક્યો છે. યુદ્ધના વિનાશ વચ્ચે ફરી ઉભા થવાનો પ્રયાસ કરી રહેલા યુક્રેનને બ્રિટન તરફથી મોટી મદદ મળવા જઈ રહી છે. બ્રિટિશ પ્રધાનમંત્રી ઋષિ સુનકે પોતાની યુક્રેન મુલાકાત દરમિયાન 2.5 બિલિયન પાઉન્ડના રાહત અને પુનર્વસન પેકેજની જાહેરાત કરી છે. અહેવાલો અનુસાર, બ્રિટને ખાતરી આપી છે કે જો ભવિષ્યમાં રશિયા ફરીથી યુક્રેન પર હુમલો કરે છે, તો બ્રિટન ‘ઝડપી અને સતત’ સહાય માટે પ્રતિબદ્ધ છે. સુનકે યુક્રેનમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે પણ મુલાકાત કરી હતી.
બંને દેશોના ટોચના નેતાઓની બેઠક અંગે મીડિયા અહેવાલ મુજબ સુનક શુક્રવારે સવારે યુક્રેનની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે માનવતાવાદી સહાય અને સુરક્ષા ગેરંટી, તેમજ 2.5 બિલિયન પાઉન્ડની સૈન્ય સહાયનું વચન આપ્યું હતું. ભારતીય કરન્સીમાં આ સહાય કુલ 2.64 ખરબ રૂપિયાથી પણ વધુ છે. છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા યુદ્ધ દરમિયાન યુક્રેને રશિયન સેનાના હુમલાને નિષ્ફળ બનાવવાની પ્રતિજ્ઞા લીધી છે. બ્રિટન યુક્રેનને મદદ કરી રહ્યું છે. યુક્રેન પહોંચ્યા બાદ સુનકે કહ્યું કે તે યુક્રેનના ખરાબ સમયમાં પણ તેની સાથે ઉભા રહેશે. જો સ્થિતિ સુધરશે તો પણ બંને દેશો વચ્ચે સહયોગ ચાલુ રહેશે.


