- ઉત્તરાયણ પર ગાયને ઘાસ ખવડાવવા CNCDનું આયોજન
- ઢોરવાડામાં રૂબરૂ ઘાસ, ગોળ, પાપડી ખવડાવવાની વ્યવસ્થા
- જાનહાનિ કે ઇજા ના થાય તે માટે દોરી ભેગી કરવા કરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણના દિવસે લોકો મોટી સંખ્યામાં પતંગ ચગાવતા જોવા મળ્યા છે. જે દરમિયાન જાનહાનિ કે ઇજા ના થાય તે માટે દોરી ભેગી કરવા કરવામાં આવી છે. જેમાં હજુ પણ આગામી 3 દિવસ દોરી શોધવા અને નિકાલની કામગીરી કરવામાં આવશે. રોડ ઉપર ક્યાંય પણ દોરી લટકતી હોય અથવા દોરી રોડ ઉપર હોય તો વાહનમાં આવી જતા અકસ્માતના બનાવો બનતા હોય છે. જેથી નાગરિકોને મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખીને આ કામગીરી કરવામાં આવી હતી.
જેમાં CNCD વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ ઉત્તરાયણના દિવસે દોરીના કારણે અકસ્માતના બનાવો બનતા હોય છે. જેને રોકવા માટે ચાલુ વર્ષે સીએનસીડી વિભાગની ટીમો દ્વારા રોડ પરથી દોરીના જથ્થાને એકત્રિત કરવાની કામગીરી કરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં દરેક ઝોન વાઇઝ ફાળવેલી સીએનસીડી વિભાગની ટીમો દ્વારા રોડ ઉપર જ્યાં પણ દોરીના જથ્થા કે લટકતી દોરી જોવા મળે તો તેને એકત્રિત કરી લેવામાં આવતી હતી.
લોકો વિશેષ દાન કર્યું
આ સાથે જ મકરસંક્રાંતિના દિવસે ગાયને લાડુ, ખીચડો, ઘાસ ખવાડાવવાના પુણ્યકાર્યનો સવિશેષ મહિમા હોય છે. શહેરમાંથી રખડતા પકડાયેલા પશુઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત કરૂણામંદિરમાં રાખવામાં આવે છે. દાતાઓની સગવડતા ખાતર દાણીલીમડા અને બાકરોલ કરૂણામંદિર ખાતે અલગ વિભાગ ઉભો કરી ગમાણો મૂકી અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.
જેની સાથે જ સેવાભાવી શહેરીજનો, દાતાઓ દ્વારા કરૂણામંદિર, સિટી સિવીક સેન્ટરમાં 220 દાતાઓ દ્વારા રૂ.26 હજાર 300નું દાન થયેલ. અંદાજે 22 હજાર કિ.ગ્રા. લીલા-સુકા પાકનો જથ્થો, 1000 કિ.ગ્રા. ગોળ, 700 કિ.ગ્રા. ખીચડો, 350 કિ.ગ્રા. પાપડી, બાજરી વગેરે ખાદ્યપદાર્થો અર્પણ કરવાના પુણ્યકાર્યમાં અંદાજીત 470થી વધારે દાતાઓ, નાગરિકો સહભાગી બન્યા છે.


