- આદિવાસી વિસ્તારોમાં રાજ્ય સરકાર કાઢશે યાત્રા
- 13 જિલ્લામાં વન સેતુ ચેતના યાત્રા ફરશે
- 51 આદિજાતિ તાલુકામાં 3 લાખ પરીવારને આવરી લેવાશે
લોકસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે. આ વચ્ચે ભાજપ દ્વારા તમામ વર્ગને સાંકળી લેવા માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં આદિવાસી વિસ્તારોમાં પક્કડ મજબૂત કરવા માટે વન સેતુ ચેતના યાત્રાનું આયોજન કરી રહ્યા છે.
ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી પહેલાં પક્ષને તમામ મોર્ચે મજબૂત કરવા માટેની કોશિશ થઈ રહી છે. આ વચ્ચે રાજ્યની ભાજપ સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં 18 જાન્યુઆરીથી વન સેતુ ચેતના યાત્રાનું આયોજન કરી રહ્યું છે. જે રાજ્યના 13 જિલ્લાઓમાં ફરશે અને લોકોની સાથે જોડવામાં આવશે.
શું છે યાત્રા પાછળનો મુખ્ય હેતુ
આ યાત્રા આદિવાસી વિસ્તારોમાં યોજવામાં આવશે. જેમાં 51 આદિજાતિ તાલુકામાં 3 લાખ પરીવારને આવરી લેવાશે. જેની સાથે જ યાત્રામાં સરકારની સિદ્ધિઓ, રામ મંદિર અંગેની તેમજ આદિજાતિ વિકાસના કામોની વિગતો લોકો સુધી પહોંચાડવામાં આવશે. જેની સાથે જ આદિજાતિના લોકોને સન્માનિત કરવાની કામગીરી પણ કરવામાં આવશે.
છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 150 થી વધુ બેઠકો મેળવી ત્યારથી જ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી દ્વારા સમાજના તમામ વર્ગોને જોડવાની કવાયત તેજ બનાવવામાં આવી છે. જેના માટે હવે લોકોના ઘરે સુધી પહોંચવા માટે પ્રચાર કરવા માટે વિવિધ યાત્રા યોજવામાં આવી રહી છે.


