- ઓડિયો ક્લિપ FSLમાં મોકલાઈ, રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી : એસીબી પીઆઈ
- જમીન-મકાનના ધંધાર્થીના ભાઈ-બહેને 40 કરોડની જમીન વેચી મારી હતી
- રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી થશે
રાજકોટમાં રહેતા જમીન મકાનના ધંધાર્થી પાસે જંકશન ચોકીના પીએસઆઈએ 1 કરોડની લાંચ માંગી હતી. ધંધાર્થીએ વાતચીતની ઓડિયો ક્લિપ સાથે એસીબીમાં અરજી કરતા એસીબી પીઆઈએ ક્લિપ FSLમાં મોકલી છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી થશે.
રાજકોટના ગાયકવાડી વિસ્તારમાં રહેતા અને સ્ટાર પ્લાઝામાં ઓફિસ રાખી જમીન મકાનનો વ્યવસાય કરતા નાગેશસિંહ શેખરસિંહ ચૌહાણ (ઉ.વ.42) નામના ધંધાર્થીએ જંકશન પોલીસ ચોકીના પીએસઆઈ બી. કે. ગોહેલ સામે એન્ટી કરપ્શન બ્યુરોમાં લાંચ અંગે કરેલી અરજીમાં જણાવ્યું હતું કે પોતાની રોણકી સર્વે નંબર 66 પૈકી 1ની જમીન બોગસ દસ્તાવેજો બનાવી ભાઈ બહેને બારોબાર વેચી નાખી હોય જેથી તેમની સામે કાર્યવાહી કરવા પોતે પોલીસ કમિશનરને લેખિત અરજી કરી હતી. જેની તપાસ જંકશન ચોકીને ફેરવર્ડ કરવામાં આવતા પૂછતાછ અર્થે જંકશન ચોકીએ બોલાવવામાં આવ્યા હતા. ત્યાં પીએસઆઈ ગોહેલે તમારી જમીન કેવડી છે તેમ પૂછતા મારી જમીન 40 કરોડની છે તેવું જણાવ્યું હતું. જેથી ફરીયાદ હું લઉં પણ મને 1 કરોડ રૂપિયા આપો તો હું ફરીયાદ લઈશ પછી FIR કરીશ તેમ કહેતા મેં વિચારીને જવાબ આપવાનું કહ્યું હતું. બાદમાં મેં એસીબીના પીઆઈ અજયસિંહ ગોહિલને વાત કરતા તેમણે રેકોર્ડીંગ કરવાનું કહેતા હું ફરી ત્યાં ગયો હતો અને લાંચ અંગે વાતચીત કરતા હોય તેવું ઓડિયો રેકોર્ડીંગ કરી લીધું હતું. તે પછી 1 ડિસેમ્બરે જગ્યા જોવા ગયા ત્યારે પણ પીએસઆઈએ 1 કરોડનું વિચારી લેજો. મારે ઉપલા અધિકારીઓને પણ દેવા પડે તેમ કહ્યું હતું. ગત 16 તારીખે ફરી જતા 1 કરોડ સિવાય ફરીયાદ નહિ થાય તેમ જણાવતા એસીબીમાં અરજી કરી હતી. એસીબી પીઆઈ ગોહિલે જણાવ્યું હતું કે અરજી મળી છે, ઓડિયો ક્લિપ એફ્એસએલમાં મોકલી છે તેનો રિપોર્ટ આવ્યા બાદ યોગ્ય જણાશે તો કાર્યવાહી થશે.


