- યશસ્વી જયસ્વાલને ICC T20I રેન્કિંગમાં મોટો ફાયદો
- અક્ષર T20 બોલિંગ રેન્કિંગમાં પાંચમા નંબર પર પહોંચ્યો
- બિશ્નોઈના રેન્કિંગમાં 4 સ્થાનના ઘટાડા સાથે છઠ્ઠા નંબર પર
ભારતીય યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે ICC T20I રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે. શાનદાર બેટિંગ કરનાર જયસ્વાલ રેન્કિંગમાં ટોપ-10માં આવી ગયો છે. જ્યસ્વાલ 7 સ્થાનની છલાંગ લગાવીને 6 નંબર પર પહોંચી ગયો છે. સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલને ઘણો ફાયદો થયો છે. અક્ષર T20 બોલિંગ રેન્કિંગમાં પાંચમા નંબર પર પહોંચી ગયો છે. અક્ષરે 12 સ્થાનની છલાંગ લગાવીને પાંચમાં નંબર પર છે. જ્યારે શિવમ દુબેએ 207 પોઈન્ટની છલાંગ લગાવીને 58માં નંબર પર પહોંચ્યો છે.
T20 ઈન્ટરનેશનલની બોલિંગ રેન્કિંગમાં રવિ બિશ્નોઈ છઠ્ઠા નંબર પર છે. જોકે, બિશ્નોઈના રેન્કિંગમાં 4 સ્થાનનો ઘટાડો જોવા મળ્યો છે. અક્ષર પટેલની વાત કરીએ તો આ દિવસોમાં અક્ષરે અફઘાનિસ્તાન સામે ચાલી રહેલી ત્રણ મેચની T20 સિરીઝમાં શાનદાર બોલિંગ કરી હતી. અક્ષરે પ્રથમ બે મેચમાં 2-2 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે પ્રથમ મેચમાં 23 રન અને બીજી મેચમાં માત્ર 17 રન જ ખર્ચ્યા હતા.
જયસ્વાલની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દી
જયસ્વાલે તેની કારકિર્દીમાં અત્યાર સુધી 16 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તેણે 15 ઇનિંગ્સમાં 35.57ની એવરેજ અને 163.82ની સ્ટ્રાઇક રેટથી 498 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 1 સદી અને 4 ફિફટી ફટકારી છે.
જયસ્વાલની તોફાની ઈનિંગ
અફઘાનિસ્તાન સામેની બીજી T20માં જયસ્વાલે શાનદાર બેટિંગ કરી હતી. ભારતીય ઓપનરે 34 બોલમાં 5 ફોર અને 6 સિકસરની મદદથી 68 રનની ઇનિંગ રમી હતી. આ પહેલા જયસ્વાલે સાઉથ આફ્રિકા સામે રમાયેલી T20 સીરીઝની ત્રીજી મેચમાં 60 રન બનાવ્યા હતા.
બેટિંગમાં સુર્યાનો જાદુ યથાવત
નોંધનીય છે કે સ્ટાર ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવ T20 ઈન્ટરનેશનલની બેટિંગ રેન્કિંગમાં નંબર વન પર યથાવત છે. સૂર્યા લાંબા સમયથી ટોચના સ્થાને છે અને અન્ય કોઈ બેટ્સમેન તેની નજીક પણ આવી શક્યો નથી. સૂર્યનું રેટિંગ 869 છે. આ પછી ઈંગ્લેન્ડનો ફિલિપ સોલ્ટ 802 રેટિંગ સાથે બીજા સ્થાને છે.


