- ઈરાન-પાકિસ્તાન વચ્ચેના તણાવથી બેચેન થયું ચીન
- અમે ઈચ્છીએ છીએ કે બંને દેશો વચ્ચે શાંતિ જળવાય: ચીન
- ચીનની મહત્વાકાંક્ષી પરિયોજના CPEC ડૂબવાનો ડર
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં 16 જાન્યુઆરીની રાત્રે ઈરાને હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલાઓ પાકિસ્તાનની સરહદમાં હાજર ઈરાની આતંકવાદી સંગઠન જૈશ અલ-અદલ પર કરવામાં આવ્યા હતા. આ હવાઈ હુમલા બાદ પાકિસ્તાન અને ઈરાન વચ્ચે તણાવ વધી ગયો છે. હવાઈ હુમલા બાદ પાકિસ્તાને ઈરાનના રાજદૂતને દેશ છોડવા કહ્યું હતું અને તેહરાનમાં પાકિસ્તાનના રાજદૂતને પરત બોલાવ્યા હતા. ડ્રોન અને મિસાઈલ હુમલાઓથી અકળાયેલા પાકિસ્તાને જવાબી કાર્યવાહીનો દાવો કર્યો છે.
ઈરાન-પાકિસ્તાન વચ્ચેના તણાવથી બેચેન થયું ચીન
આ દરમિયાન, ભારતના પાડોશી દેશ ચીને પાકિસ્તાન અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવને ઘટાડવા માટે મધ્યસ્થી કરવાની ઓફર કરી છે. ચીને બંને દેશોને ન ઉશ્કેરાવા, સંયમ અને શાંતિ જાળવી રાખવા કહ્યું છે. ગુરુવારે પાકિસ્તાને જવાબી કાર્યવાહીમાં સિસ્તાન-બલૂચિસ્તાન પ્રાંતમાં સૈન્ય હુમલા કર્યા હતા, જેમાં 9 લોકોના મોત થયા છે. બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવથી ચીન ખૂબ જ પરેશાન જણાઈ રહ્યું છે. પાકિસ્તાનનું પ્રિય મિત્ર ચીન છેલ્લા કેટલાંક વર્ષોથી ઈરાનની ખૂબ નજીક આવી ગયું છે. જેના દ્વારા ચીન પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં પોતાનો પ્રભાવ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે 2023માં સાઉદી અરબ અને ઈરાનની કટ્ટર દુશ્મનીને ચીને મધ્યસ્થતા કરીને એક કરાર હેઠળ ઓછી કરવાનો પ્રયાસ કર્યો હતો. ખાસ બાદ એ છે કે ચીન ઈરાન પાસેથી મોટા પ્રમાણમાં તેલની આયાત કરે છે.
અમે ઈચ્છીએ છીએ કે બંને દેશો વચ્ચે શાંતિ જળવાય: ચીન
ઈરાન-પાકિસ્તાનના સંબંધોમાં ખટાસને લઈને ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું છે કે મને આ વાતની માહિતી નથી કે પાકિસ્તાને ઈરાન પર હુમલો કર્યો છે. માઓનું કહેવું છે કે અમારું ધ્યાન બંને દેશો વચ્ચે તણાવ ઓછો કરવા પર છે. અમારું માનવું છે કે બંને દેશો વચ્ચે સંબંધો સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર, આંતરરાષ્ટ્રીય કાયદાના ઉદ્દેશ્યો અને સિદ્ધાંતોના આધાર પર હોવા જોઈએ. માઓએ કહ્યું કે તમામ દેશોનું સર્વભોમત્વ, સ્વતંત્રતા અને ક્ષેત્રીય અખંડિતતાનું સન્માન થવું જોઈએ. અમને આશા છે કે બંને દેશો શાંતિ અને ધૈર્ય જાળવી રાખશે. અમે બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરવા માટે તૈયાર છીએ. અમને આશા છે કે પાકિસ્તાન અને ઈરાન પરસ્પર મુદ્દાઓને વધારે સારી રીતે સાંભળી શકે છે.
ચીનની મહત્વાકાંક્ષી પરિયોજના CPEC ડૂબવાનો ડર
ચીન-પાકિસ્તાન આર્થિક ઈકોનોમિક કોરિડોર (CPEC) ચીનનો એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. પાકિસ્તાન અને ઈરાન વચ્ચેના તણાવથી ચીનની 60 અરબ અમેરિકન ડોલરનો આ CPEC પ્રોજેક્ટને લઈને શંકાઓ સેવાવા લાગી છે. જણાવી દઈએ કે આ પ્રોજેક્ટ પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન અને ઈરાનને ચીનના શિનજિયાંગ પ્રાંત સાથે જોડે છે. પાકિસ્તાનના બલૂચ રાષ્ટ્રવાદીઓ અને સુન્ની ચરમપંથીઓ વચ્ચે તણાવ વધી રહ્યો છે. અનેકવાર પાકિસ્તાનમાં ચીનના શ્રમિકો પર વારંવાર હુમલાઓ થવાના સમાચાર સામે આવતા રહે છે.


