- પત્નીએ કરેલી ફરિયાદ બાદ તપાસમાં ભાંડો ફૂટ્યો
- પોલીસે CCTVના આધારે તપાસ કરતા સામે આવ્યું
- પતિ દ્વારા પોતાના મિત્ર પાસે જ કાર ચોરી કરાવી
સુરતમાં દેવું વાળવા પતિએ પત્નીની કાર ચોરી કરાવી હતી. પત્નીએ કરેલી ફરિયાદ બાદ તપાસમાં ભાંડો ફૂટ્યો છે. પોલીસે CCTVના આધારે તપાસ કરતા સામે આવ્યું છે. તેમાં પતિ દ્વારા પોતાના મિત્ર પાસે જ કાર ચોરી કરાવી છે. ઉધના પોલીસે કાર ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે કાર ચોરીના ગુનામાં પતિની ધરપકડ કરી છે.
પતિ દ્વારા જ પત્નીની કાર ચોરી કરાવવામાં આવી
ઉધના વિસ્તારમાં માથે થયેલ દેવું વાળવા પતિ દ્વારા જ પત્નીની કાર ચોરી કરાવવામાં આવી હતી. પત્નીએ નોંધાવેલી કાર ચોરીની ફરિયાદ બાદ ઉધના પોલીસની તપાસ દરમિયાન મહિલાના પતિનો ભાંડો ફૂટી ગયો છે. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ઉધના પોલીસે કાર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. એટલું જ નહીં પરંતુ પોલીસ તપાસમાં પતિ દ્વારા પોતાના મિત્ર પાસે જ આ કાર ચોરી કરાવી હોવાનું બહાર આવતા પોલીસ ચોંકી ઉઠી છે. કાર ચોરીના ગુનામાં હાલ પતિની ધરપકડ કરી આગળની તપાસ ઉધના પોલીસે હાથ ધરી છે.
જાણો શું છે સમગ્ર ઘટના
સુરતના ઉધના વિસ્તારમાં અજીબો- ગરીબ કિસ્સો સામે આવ્યો છે. ઉધના પોલીસ ચોપડે નોંધાયેલ કાર ચોરીના ગુનામાં મહિલાના પતિ દ્વારા જ કાર ચોરી કરાવવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઉધના પોલીસ મથકેથી મળતી જાણકારી અનુસાર,ઉધના પોલીસ મથક હદ વિસ્તારમાં રહેતા કંચનબેન રાજપુત દ્વારા ઉધના પોલીસ મથકમાં કાર ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કંચનબેને ઉધના પોલીસ ચોપડે આપેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર છઠ્ઠી જાન્યુઆરીના રોજ મોડીરાત્રીના સમય દરમિયાન તેમના ઘર બહાર પાર્ક કરેલી સ્વિફ્ટ ડિઝાયર કાર અજાણ્યો ચોર શખ્સ ચોરી કરી ફરાર થઈ ગયો હતો.


