- 46 રાજકીય દળમાંથી 17એ સહમતિ દેખાડી
- અનેક વિપક્ષી દળોએ એકસાથે ચૂંટણી વિચારનો વિરોધ કર્યો
- હવે 27 જાન્યુઆરીએ ફરીથી બેઠક યોજાશે
વન નેશન વન ઈલેક્શન પર પૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિને લોકોની તરફથી લગભગ 21000 સૂચનો મળ્યા. તેમાંથી 81 ટકા લોકોએ એકસાથે ચૂંટણીના વિચાર પર સહમતિ દર્શાવી હતી. રવિવારે સમિતિ દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં કહેવાયું કે 46 રાજકીય દળમાંથી સૂચનો માંગવામાં આવ્યા હતા, પરંતુ અત્યાર સુધીમાં 17ના જ જવાબ આપ્યા હતા. કોંગ્રેસ અને ટીએમસી સહિત તમામ વિપક્ષી દળોએ એક સાથે ચૂંટણી કરાવવાના વિચારનો વિરોધ કર્યો છે.
જાહેર નોટિસની મદદથી માંગ્યા હતા સૂચનો
5 જાન્યુઆરીએ સમિતિએ દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાને લઈને કાયદા અને પ્રશાસનમાં ઉચિત ફેરફાર કરવા માટે નાગરિકોની પાસે સૂચનો માંગ્યા હતા અને આ માટે એક જાહેર નોટિસ પાઠવી હતી. મળતી માહિતિ અનુસાર ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કોવિંદના નેતૃત્વવાળી સમિતિએ રવિવારે પોતાની ત્રીજી બેઠક કરી હતી. સમિતિએ બેઠક બાદ કહ્યું કુલ મળીને 20,972 સૂચનો મળ્યા છે. જેમાંથી 81 ટકા લોકોએ એક સાથે ચૂંટણીના વિચારની પુષ્ટિ કરી છે.
કોણ કોણ પેનલમાં થયું સામેલ
પેનલની રવિવારની બેઠકમાં રાજ્યસભામાં વિપક્ષના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદ, કાયદામંત્રી અર્જુન રામ મેઘવાલ, 15મા નાણાં આયોગના પૂર્વ અધ્યક્ષ એન કે સિંહ, પૂર્વ લોકસભા મહાસચિવ સુભાષ સી કશ્યપ અને પૂર્વ મુખ્ય સતર્કતા આયુક્ત સંજય કોઠારી સામેલ થયા. ચૂંટણી આયોગના સૂચનોને પણ સમિતિએ નોટ કર્યા. સમિતિ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં એપ પણ કહેવાયું છે કે પેનલ 27 જાન્યુઆરીએ ફરીથી બેઠક કરશે. સમિતિએ ચૂંટણી કરાવવાને લઈને વિધિ આયોગના વિચાર પણ લીધા છે. આ મુદ્દે ફરીથી લૉ પેનલને બોલાવવામાં આવી શકે છે.


