- 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું ભવ્ય આયોજન
- કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે તમિલનાડુની DMK સરકાર પર કર્યા પ્રહાર
- “રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી અને લાઇવ પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો”
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી છે. મહેમાનોના આગમનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અયોધ્યા શહેરને લાઇટો, રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે. આ દરમિયાન કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે તમિલનાડુની DMK સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. નાણામંત્રીએ આરોપ લગાવ્યો કે તામિલનાડુ સરકારે 22 જાન્યુઆરીએ યોજાનારી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના લાઇવ પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો છે.
નિર્મલા સીતારમણે ટ્વિટર હેન્ડલ પર લખ્યું હતું કે, ‘તમિલનાડુના ઘણા ભાગોમાં હૃદયદ્રાવક અને વિચિત્ર દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકોને ભજન આયોજિત કરવા, ગરીબોને ભોજન કરાવવા, મીઠાઈઓ વહેંચવા અને ઉજવણી કરવાથી રોકવામાં આવી રહ્યા છે. જ્યારે તેઓ બધા પીએમ નરેન્દ્ર મોદીને અયોધ્યામાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ કરતા જોવા માંગે છે. કેબલ ટીવી ઓપરેટરોને કહેવામાં આવ્યું છે કે, લાઈવ ટેલિકાસ્ટ દરમિયાન પાવર કટ થવાની સંભાવના છે. તમિલનાડુમાં ભગવાન રામના 200 થી વધુ મંદિરો છે. I.N.D.I ગઠબંધનના મુખ્ય ભાગીદાર DMKનું આ હિંદુ વિરોધી પગલું છે.
કેન્દ્રીય નાણામંત્રીએ વધુમાં કહ્યું કે, પોલીસ આયોજકોને ધમકીઓ આપી રહી છે તેમજ 22 જાન્યુઆરીએ ભગવાન રામના નામ પર કોઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે તો પંડાલો તોડી પાડવાની ચેતવણી પણ આપી રહી છે. તેમણે તામિલનાડુ સરકારના લાઇવ ટેલિકાસ્ટ પર પ્રતિબંધ અને બંધ કરવાના નિર્ણય પર આકરા પ્રહારો કર્યા હતા. સીતારમણે કહ્યું કે, લોકો તે દિવસની ઉજવણી કરવાથી ડરતા હોય છે જેને સમગ્ર દેશ દિવાળી જેવા તહેવારની જેમ ઉજવી રહ્યો છે.
અયોધ્યા તે ક્ષણ માટે સંપૂર્ણપણે તૈયાર છે જેની રામ ભક્તો વર્ષોથી રાહ જોઈ રહ્યા છે. સોમવારે એટલે કે 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ ધાર્મિક વિધિઓમાં ભાગ લેશે. આ મંદિર આ વિધિના બીજા જ દિવસે જાહેર જનતા માટે ખોલવામાં આવશે.


