- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ
- ભારત સામેની ટેસ્ટ સિરીઝમાંથી હેરી બ્રુક બહાર
- હેરી બ્રુકના સ્થાને ડેન લોરેન્સનો ટીમમાં સમાવેશ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીથી પાંચ મેચની ટેસ્ટ સીરીઝ શરૂ થઈ રહી છે. આ સિરીઝ પહેલા હેરી બ્રુકે અંગત કારણોસર ઈંગ્લેન્ડની ટીમમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. હવે તેના સ્થાને નવા ખેલાડીની જાહેરાત કરવામાં આવી છે. તે બે વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં પરત ફર્યો છે. તેણે તેની છેલ્લી ટેસ્ટ માર્ચ 2022માં રમી હતી.
કોણ છે તે ખેલાડી?
હેરી બ્રુક આખી ટેસ્ટ સીરીઝમાંથી બહાર થઈ ગયો છે. તેમની જગ્યાએ ડેન લોરેન્સને તક મળી છે. લોરેન્સે છેલ્લે માર્ચ 2022માં ટેસ્ટ મેચ રમી હતી. 25 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી ટેસ્ટ સિરીઝ માટે ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે રવિવારે જાહેરાત કરી હતી કે ડેન લોરેન્સે 24 કલાકની અંદર ટીમ સાથે જોડાશે. ECBએ X પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી.
બ્રુકના ડેબ્યૂ પહેલા છેલ્લી ટેસ્ટ રમી
હેરી બ્રુકે સપ્ટેમ્બર 2022માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તે સતત સમાચારોમાં છે પરંતુ હવે તેના બહાર થવાના કારણે ઈંગ્લેન્ડની ટીમને મોટો ફટકો પડી શકે છે. પરંતુ હવે બ્રુકના ડેબ્યુ પહેલા છેલ્લી ટેસ્ટ રમનાર ખેલાડીને ટીમમાં જગ્યા મળી છે. બ્રુકે ઈંગ્લેન્ડ માટે 12 ટેસ્ટ મેચમાં 62.15ની એવરેજથી 1181 રન બનાવ્યા છે.
જ્યારે લોરેન્સે ઈંગ્લેન્ડ માટે 11 ટેસ્ટ મેચ રમી છે. ડેન લોરેન્સે 11 ટેસ્ટ મેચમાં 29ની એવરેજથી 551 રન બનાવ્યા છે. તેના નામે 21 ઇનિંગ્સમાં ચાર ફિફટી છે. લોરેન્સનો સર્વશ્રેષ્ઠ સ્કોર 91 રન રહ્યો છે. આ પાંચ ટેસ્ટ મેચની સિરીઝની શરૂઆત 25 જાન્યુઆરીથી હૈદરાબાદમાં થનારી પ્રથમ મેચથી થશે. બ્રુક ઉપરાંત ક્રિસ વોક્સ, લિયામ ડોસન અને વિલ જેક્સ પણ આ ટેસ્ટ સિરીઝમાંથી બહાર છે.


