- આ વર્ષે ભારતનો ગણતંત્ર દિવસ શુક્રવારે આવે છે
- લાંબી રજાઓમાં આ ઐતિહાસિક સ્થળએ જઈ શકાય છે
- દિલ્હી, જલિયાવાલા બાગ જેવા સ્થળની મુલાકાત લઈ શકાય
આ વર્ષે ભારત 26 જાન્યુઆરી 2024ના રોજ તેનો 75મો ગણતંત્ર દિવસ ઉજવવા જઈ રહ્યું છે. આ વર્ષે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ શુક્રવારે આવે છે. આવી સ્થિતિમાં શુક્રવાર, શનિવાર અને રવિવારનો લાંબો વીકેન્ડ મળી રહે છે. આ લાંબી રજાઓમાં ભારતના ઐતિહાસિક સ્થળોની મુલાકાત તેમજ દેશભક્તિની અનુભૂતિ કરવા આ સ્થળોની મુલાકાત અચૂક લેવી જોઈએ.
3 દિવસનો લાંબો વીકએન્ડ
ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં આવ્યું હતું. આ દિવસે સમગ્ર ભારતમાં જાહેર રજા આપવામાં આવે છે. દર વર્ષે 26 જાન્યુઆરીએ દિલ્હીના કર્તવ્ય પથ પર એક ખાસ કાર્યક્રમનું આયોજન કરાય છે. આ દિવસ ભારતીય માટે ખૂબ જ ખાસ હોય છે. આ ‘વિવિધતામાં એકતા’ દર્શાવતો દિવસ છે. આ દિવસે ભારતને આઝાદ કરાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકનાર તમામ બહાદુર સૈનિકોને પણ યાદ કરવામાં આવે છે. આ વર્ષે 26 જાન્યુઆરીએ શુક્રવાર હોવાથી લોકોને 3 દિવસનો લાંબો વીકએન્ડ મળી રહ્યો છે. આ રજાઓમા દેશભક્તિની યાદ તાજી કરવા માટે ઘણા ખાસ સ્થળોની મુલાકાત લઈ શકાય છે.
ગણતંત્ર દિવસની મુલાકાત લેવા માટેના સ્થળ
દિલ્હી
જો તમે ગણતંત્ર દિવસ પર ભવ્ય ઉજવણી જોવા માંગતા હોવ તો તમે દિલ્હી જઈ શકો છો. દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે કર્તવ્ય પથ પર ઔપચારિક પરેડ થાય છે. આ પરેડ રાષ્ટ્રપતિ ભવનના ગેટથી શરૂ કરવામા આવે છે, કર્તવ્ય પથને પાર કરી પરેડ ઇન્ડિયા ગેટ સુધી પહોંચે છે. આ પરેડ ભારતની સંરક્ષણ ક્ષમતા, સાંસ્કૃતિક અને સામાજિક વારસો દર્શાવે છે. નૌકાદળ અને વાયુસેના સિવાય ભારતીય સૈન્યની નવથી બાર અલગ-અલગ રેજિમેન્ટ, પોતાની તમામ સુંદરતા અને સત્તાવાર શણગારીને તેમના બેન્ડ સાથે ફ્લેગ માર્ચ કરે છે.
જલિયાવાલા બાગ, અમૃતસર
26મી જાન્યુઆરીના પ્રસંગે તમે જલિયાવાલા બાગની પણ મુલાકાત લઈ શકો છો. જલિયાવાલા બાગ તે જ જગ્યા છે, જ્યાં હજારો નિર્દોષ લોકો પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવી હતી. જલિયાવાલા બાગ પંજાબના રાજ્યના અમૃતસરમાં આવેલું છે અને આ જગ્યા શહાદતનું સૌથી મોટું પ્રતિક ગણાય છે. અહીં તમે વાઘા-અટારી બોર્ડર પણ એક્સપ્લોર કરી શકો છો. પરેડ સિવાય અહીં રિટ્રીટ સેરેમની પણ જોઈ શકાય છે.
સાબરમતી આશ્રમ, ગુજરાત
અમદાવાદમાં આવેલો સાબરમતી આશ્રમ સ્વતંત્રતા ચળવળ દરમિયાન મહાત્મા ગાંધીના જીવનની ઝલક આપે છે. ગણતંત્ર દિવસ નિમિત્તે અહીં અનેક પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તમે અહીં ધ્વજવંદન સમારોહમાં પણ ભાગ લઈ શકો છો.
કારગિલ યુદ્ધ સ્મારક, લદ્દાખ
પ્રજાસત્તાક દિવસના અવસર પર તમે લદ્દાખમાં સ્થિત કારગિલ યુદ્ધ સ્મારકની પણ મુલાકાત લઈ શકો છો. ભારતીય સેનાએ 1999માં કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. આ યુદ્ધમાં શહીદ થયેલા ભારતના બહાદુર સપૂતોને શ્રદ્ધાંજલિ આપવા માટે કારગિલ યુદ્ધ સ્મારક બનાવવામાં આવ્યું હતું.


