- દક્ષિણ 24 પરગણાના કાકદ્વીપ ખાતે એક જાહેર બેઠકને સંબોધતાં કેન્દ્રીયપ્રધાને આ દાવો
- શાંતનુ ઠાકુરે આ દાવા અંગે લેખિત ગેરંટી પણ આપી હતી
- હવે ગૃહ મંત્રાલય તરફથી તેના અમલ અંગે નિર્ણય લેવાઇ ચૂક્યો છે
કેન્દ્રીયપ્રધાન શાંતનુ ઠાકુરે દેશમાં આવતા 7 દિવસમાં નાગરિક સંશોધન અધિનિયમ (સીએએ)નો અમલ શરૂ થઇ જશે તેવો દાવો કર્યો છે. દક્ષિણ 24 પરગણાના કાકદ્વીપ ખાતે એક જાહેર બેઠકને સંબોધતાં કેન્દ્રીયપ્રધાને આ દાવો કર્યો હતો. શાંતનુ ઠાકુરે આ દાવા અંગે લેખિત ગેરંટી પણ આપી હતી. મીડિયા સાથે વાત કરતાં શાંતનુ ઠાકુરે કહ્યું હતું કે, ‘ધાર્મિક, સામાજિક અને નીતિ પર વિચાર કર્યા પછી સીએએનો અમલ કરવામાં આવશે. દેશમાં અચાનક સીએએનો અમલ શરૂ કરતાં દેશમાં તંગદિલી સર્જાઇ શકે તેમ હતી. હવે ગૃહ મંત્રાલય તરફથી તેના અમલ અંગે નિર્ણય લેવાઇ ચૂક્યો છે. 7 દિવસની અંદર દેશભરમાં સીએએનો અમલ શરૂ થઇ જશે. મેં તે વાતની ગેરંટી તમને આપી દીધી છે. રાજ્યમાં તેનો અમલ ફરજિયાત નથી. આ મુદ્દે મુખ્યપ્રધાન સાથે વાત કરવાની કોઇ જરૂર નથી. કેન્દ્ર સરકારનો આ મુદ્દો છે.’ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગયા વર્ષે ડિસેમ્બરમાં સીએએ દેશનો કાયદો હોવાનું કહેતાં જણાવ્યું હતું કે કોઇ તેના અમલને રોકી શકે તેમ નથી. ડિસેમ્બર 2019માં સાસંદમાં સીએએ સંબંધી વિધેયક પસાર થયું હતું. તે કાયદા હેઠળ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી 31 ડિસેમ્બર 2014 સુધી ભારત આવેલા બિનમુસ્લિમ સમુદાયો (હિંદુ, શીખ, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી)ને નાગરિકતા આપવાની વાત થયેલી છે.


